________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૬૯
અહીં જિનપ્રભસૂરિ વિદ્યમાન હતા. તેમણે પોતાના પુસ્તક ‘‘તીર્થંકલ્પ’’માં આ ઘટનાનું વર્ણન કરેલું છે.
પાટણના સમરા શાહે કરેલો જીર્ણોદ્ધાર ઃ- પાટણમાં આ સમયે ઓસવાળ જ્ઞાતિના સમરા શાહ નામે એક શ્રેષ્ઠી રહેતા જેઓ જૈનધર્મ પાળતા હતા. તેમની લાગવગ દિલ્હીમાં હતી. અલપખાન સાથે ઓળખના કારણે તેમણે દિલ્હીમાં અલ્લાઉદ્દીન ખિલજીને શત્રુંજ્યની દુઃખદ ઘટનાની જાણ અલપખાન દ્વારા કરાવી અલપખાને સમરાશાહની હકીકત બાદશાહને કહી અને શત્રુંજ્યનો જિર્ણોદ્ધાર કરવાની રજા મેળવી. બાદશાહે રજા આપી, વળી બાદશાહનાં તાબાના પ્રદેશ મકરાણાની આરસની ખાણમાંથી આરસ મંગાવી તેની પ્રતિમા બનાવવાની પણ પરવાનગી આપી. વિ.સં. ૧૩૭૧માં મંદિરની મરામત પૂર્ણ થઇ અને સમરા શાહે પાટણથી ધામધૂમ પૂર્વક સંઘ કાઢી નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેમાં રત્નાકાર સૂરિ મુખ્ય હતા. શેત્રુંજ્ય તીર્થમાં આજેપણ આ સમરાશાહ અને તેમની ધર્મપત્ની અમરશ્રીની મૂર્તિઓ છે. જૈન ધર્મ પાળનારા દરેક શ્રાવકો અહીંની તીર્થયાત્રા કરે છે. શત્રુંજયનું આ દેવાલય પાટણના જૈન શ્રાવકોની ધર્મની ધર્મગાથાનું વર્ણન કરે છે. આમ પાટણના આર્થિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં જૈન શ્રાવકો શ્રેષ્ઠીઓ અને મહાઅમાત્યોનો વિશિષ્ઠ ફાળો હોવા છતાં તેઓ સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ રાખતા હતા. તેઓ ધર્મ સહિષ્ણુ હતા.