________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૨૦
હૃદયંગમ ભાષામાં જેનું આવું વર્ણન થયેલું છે, એ પાટણની અસ્મિતા અને પ્રભુતા મહાન હતી. એ પાટણનો ઇતિહાસ ગૌરવવંતો છે. યુગે યુગે પાટણની પ્રભુતા પથરાયેલી છે.
ઇતિહાસ વાંચતાં એવો નિષ્કર્ષ નિકળે છે કે, પાટણના સમ્રાટો રાજ્યના શાસનકર્તાઓ હોવા ઉપરાંત મહાન આધ્યાત્મિક પુરુષો પણ હતા. દુનિયાના ઇતિહાસમાં ભાગ્યેજ જોવા મળે એવા રાજ્યગાદી સ્વેચ્છાએ ત્યાગી હોવાના પ્રસંગો પાટણના ઇતિહાસમાં નોંધાયા છે. એક બે નહીં, પરંતુ પૂરા છ ગુર્જરેશ્વરો રાજ્ય સિંહાશન છોડી મુગટધારીમાંથી કંથાધારી બન્યા છે. પોતાનું પાછલું જીવન દિવ્ય આધ્યાત્મિક માર્ગે વાળી પ્રભુપ્રાપ્તિ અર્થે વિતાવનાર આ મહાન ત્યાગી રાજવીઓ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધરો હતા. છતાં ઇતિહાસે પાટણની આ પ્રભુતાની જોઇએ તેવી નોંધ લીધી નથી.
ગુજરાતની પ્રજાને અને વિશ્વના ઇતિહાસકારોને આ રાજવીઓના મહાભિનિષ્ક્રમણની ઝાઝી માહિતી નથી. પાટણના લોકો આ ત્યાગી સમ્રાટોનાં નામ પણ જાણતા નથી. એકજ વંશ-(સોલંકી વંશ) ના આ છ વીતરાગી સમ્રાટોનાં નામ આ પ્રમાણે છે.
(૧) મૂળરાજ પહેલો
(૨) ચામુંડરાજ
(૩) દુર્લભરાજ
(૪) ભીમદેવ પહેલો (૫) ક્ષેમરાજ
(૬) કર્ણદેવ
પાટણનો ઇતિહાસ વિવિધતાથી ભરેલો છે. તેમાં વીરરસના બહાદૂરીના પ્રસંગો, વિસ્મયભર્યા પ્રસંગો, રોમાંચક પ્રેમરસનાં પ્રકરણો આલેખાયેલાં છે.
અણહિલપુર પાટણ વિદ્યા અને સંસ્કૃતિનું ધામ હતું. આ નગરે માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ હિંદને અને દક્ષિણ ભારતને સુસંસ્કૃત બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે, જેનો ઇતિહાસ સાક્ષી છે.
પાટણના રાજવીઓ અને સામ્રાજ્ઞીઓ જેમ અદ્વિતીય હતાં એમ અહીંના વિદ્યાધરોએ વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યમાં પોતાનું યોગદાન આપેલું છે. એજ રીતે સોલંકીવંશની સ્થાપત્યકળા વિશ્વમાં પોતાનું મસ્તક ઉન્નત રાખે એવી હતી. રાણી ઉદમયતીની રાણકીવાવ, રૂદ્રમાળ, સહસ્રલિંગ સરોવર, મોંઢેરાનું સૂર્યમંદિર, કુમારવિહાર, પંચાસરા પાર્શ્વનાથનું ચૈત્ય વગેરે સ્થાપત્યોથી સોલંકીયુગને ‘સુવર્ણયુગ’ કહેવામાં આવે છે.
પાટણ એટલે પૃથ્વીનું કેન્દ્ર. દામોદર મહેતા, મુંજાલ મહેતા, ઉદયન મહેતા, વસ્તુપાળ, તેજપાળ, વગેરે મહામાત્યો જૈન હોય કે શૈવ હોય પાટણનું હિત સૌના હૈયે સરખું હતું. પાટણના વિકાસમાં સૌને સરખો રસ હતો.
પાટણના રાજાઓ સહિષ્ણુ હતા. પાટણના ધર્માચાર્યો સર્વ ધર્મ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ