________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૧૧ ચૈતન્યનો ધબકાર છે. સુડોળ અંગો અને તે અંગલથી સર્જતા કમનીય અંગવળાંકો એ સુંદરતાને વધુ સુરેખ કરી આપે છે. પથ્થરોમાં પણ કોમળતાને પ્રસ્થાપિત કરનારા એ સમયની ગુજરાતની કલાકૌશલ્યપૂર્ણ જીવન શૈલીનું અહીં ઉજજવળ પ્રતિબિંબ પડે છે. અહીંના નારી-શિલ્પો લાવણ્ય, લજ્જાભર્યા અંગ મરોડ અને અનુપમ દેહલાલિત્યથી શોભી રહ્યા છે. •
આ વાવની વિપુલ શિલ્પસમૃદ્ધિમાં શૈવ, વૈષ્ણવ, શક્તિ સંપ્રદાયને લગતાં અનેક શિલ્પો જોવા મળે છે. શૈવ સંપ્રદાયના શિલ્પોમાં શિવ, તેના યુગલ સ્વરૂપ, ઇશાન સ્વરૂપ, ગણેશ અને પરિવાર દેવતાઓનાં શિલ્પો છે.
વૈષ્ણવ સંપ્રદાયને લગતાં વાવના પડથારમાં સળંગ પેનલમાં વિષ્ણુનાં ચોવીસ સ્વરૂપની પ્રતિમાઓ, દશાવતાર પૈકી વરાહની શાસ્ત્રોક્ત વિધાનવાળી પ્રતિમા, વામનજીની આકર્ષક મૂર્તિ, રામ, બલરામ, બુદ્ધ અને કલ્કી અવતારની પ્રતિમાં અનેરું આકર્ષણ ઊભું કરે છે.
આ શિલ્પોમાં મત્સ્ય અને કુર્મ અવતારની પ્રતિમાઓ ક્યાંય જોવા મળતી નથી, જે આશ્ચર્ય પમાડે એવું છે. વાવની દક્ષિણ તરફથી દીવાલના ત્રીજા પડથારમાં વરાહ, વામન અને પરશુરામની પ્રતિમાઓ છે. નૃસિંહનું શિલ્પ કૂવાની નજીકના ભાગમાં ચોથા પડથારમાં દક્ષિણ તરફની દીવાલના ગવાક્ષમાં આવેલું છે, જ્યારે બલરામ, રામ, બુદ્ધ અને કલ્કિ અવતારની પ્રતિમાઓ પૂર્વ તરફની દીવાલના ચોથા પડથારમાં આવેલી છે. વરાહ: આ વાવની દક્ષિણ દીવાલના ગવાક્ષમાં વરાહની સપરિકર સુંદર પ્રતિમા આવેલી છે. વરાહે પ્રત્યાલિઢાસનમાં ડાબો પગ પદ્મપીઠ ઉપર મૂકેલ છે. નીચેના ભાગે અંજલિમુદ્રામાં નાગયુગલ જોઈ શકાય છે. મુખ વરાહનું છે. મસ્તકે મુકુટ અને કંઠમાં પાંદડાયુક્ત હાર છે. હસ્તવલય, બાજુબંધ, વનમાલા અને અધોવસ્ત્રને બાંધતી ઘૂઘરીયુક્ત કટિમેખલા આકર્ષક છે. પગમાં કલ્લાં અને પાદલક છે. વરાહના ચાર હાથ પૈકી જમણા નીચલો કટચવલંબિત, જમણા ઉપલામાં ગદા, ડાબા ઉપલા હાથમાં શંખ અને કોણીના ભાગ ઉપર પૃથ્વી દેવી બેઠેલ છે, જેનો ડાબો હાથ વરાહમુખને સ્પર્શતો બતાવ્યો છે. ડાબા નીચલા હાથમાં ચક છે.
પરિકરમાં બંને બાજુ નાના ગવાક્ષમાં ચાર ચાર અવતારશિલ્પો મૂકેલાં છે. જમણી બાજુ નીચેથી વરાહને માનવસ્વરૂપે બતાવ્યા છે. સામી બાજુ નૃસિંહ અવતાર છે. અને ઉપર વામનબલરામ-રામ-પરશુરામ-બુદ્ધ-કલ્કિનાં શિલ્પો આવેલાં છે. આ અવતારોની પ્રતિમાઓને બે હાથ છે. નૃસિંહ:
વાવના કૂવાના ભાગમાં ચોથા પડથારમાં દક્ષિણ તરફની દીવાલના ગવાક્ષમાં નૃસિંહનું સુંદર શિલ્પ આવેલું છે. શિલ્પના મુખનો ભાગ ઘસાયેલો છે. સપરિકર પ્રતિમાના મધ્યમાં કાઢેલા સ્તંભમાંથી નૃસિંહસ્વરૂપ બહાર આવેલું જણાય છે. સિંહમુખ નીચે કેશવાળી સ્પષ્ટ જોઈ શકાય છે. મસ્તક પાછળ પદ્મપાંખડીઓનું પ્રભામંડળ છે. નૃસિંહને સોળ હાથ છે, જે પૈકી બે હાથથી હિરણ્યકશિપુને મારતા અને જમણા નીચલા હાથમાં ગદા તથા ડાબા નીચલા હાથમાં શંખ છે. બાકીના ૧૪ હાથ ખંડિત છે.