________________
યુગે યુગે પાટણની પ્રભુતા
ગુજરાતનું ગૌરવ રાણકીવાવ-પાટણ
ડૉ. આર.ટી. સાવલિયા અધ્યાપક, શેઠ ભો.જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન એચ.કે.કૉલેજ કમ્પાઉન્ડ,
આશ્રમરોડ, અમદાવાદ - ૯ ગુજરાતની ખુશનુમા હવા, તેના રૂપ-લાવણ્યના શોખીન માનવ હૈયામાં આનંદના હિલોળા જગવી નિત્ય નવાં સર્જન સર્જવાને પ્રેરે છે. જેના સુંદર સંયોજનથી આજ યુગોપર્વત ગુજરાત ભોગવતું આવ્યું છે, એક મહાન કલાવાસરો. જેની પ્રત્યેક કલામાં તેના પ્રત્યેક કલાકારોએ પૂર્યા છે, પોતાના આગવા રંગ, રાગ અને પ્રાણ.
મનુષ્ય જીવનની સૌંદર્ય ભાવના કાળે કાળે અને પ્રદેશ પ્રદેશે બદલાતી રહી છે. માનવીનું મન કલાની ખોજમાં, ઊર્મિના તરંગ સાથે રસહિલોળે વિચારીને પણ અગોચર ખૂણે ખૂણા ફંફોળી રસશૃંગારના અધિકતમ આનંદ માટે કંઈને કંઈ સર્જવા ભમતું જ રહે છે. પોતાની કલ્પનાનુસારની રચના-શોભાઆભા રચીને તેને ઉચ્ચતમ કલાનું નિરાળું મૂર્તસ્વરૂપ તાદ્રશ્ય કરી લે છે, ત્યારે જ તેની સમગ્ર રસરુચિ તૃપ્ત થાય છે અને સમગ્ર રસ તરબોળતામાં જ આપણને સાચા સૌંદર્યદર્શી કલા-માનવનાં દર્શન થાય છે.
ગુજરાતની આ વિવિધ કલાઓનો પ્રદેશ ક્યારેય સાંકડો બન્યો નથી કે તેનાં ધોરણ પણ ક્યાંય ઘટ્યા નથી, કારણ કે હૈયાની સૂઝથી, ઊર્મિની ઓળખથી અને પસંદગીના રંગોથી આલેખાતી એ પ્રત્યેક કૃતિ ગરીબજનની ઝૂંપડીથી માંડીને ભવ્ય રાજમહેલો સુધી પથરાયેલી છે, કેમ કે કલાકારની લાગણીઓને ક્યારેય મર્યાદા કે બંધન નડતાં નથી અને એ બંધન વિહિન લાગણીઓથી જ્યારે કોઈ પણ કલાકાર પોતાની સુંદરતાની ભાવનાને ગમે તે પ્રકારે જીવનમાં પ્રત્યક્ષ કરી અનુભવે છે, તેને જ સાચી ‘કલા’ કહેવાય છે. અર્થાત્ કલાકારના આત્મામાં વસેલા સૌંદર્યભાવોનું મૂર્તિવિધાન પછી તે શબ્દનું હોય, સૂરનું હોય, રંગનું હોય, રેખાનું હોય, વાણીનું હોય કે અન્ય કોઈ સ્વરૂપમાં હોય, પણ આ મૂર્તિવિધાન જ્યારે જ્યારે માનવ હૃદયમાં સૌંદર્યનું ભાન કરાવવાની વૃત્તિ જગવનારું બની રહે છે, ત્યારે ત્યારે એ કલાના નામે જ ઓળખાયું છે. છતાં એકલી સુંદરતા એ જ કંઇ ‘કલા” નથી ગણાઇ, કેમ કે સુંદરતા એ તો આકસ્મિક છે, જ્યારે કલા સંયોજિત છે - મનુષ્યકૃત પ્રવૃત્તિ છે. આવી એક સંયોજિત કલામાંથી સર્જાઇ ‘રાણીવાવ’ કે ‘રાણકી વાવ”.
આ વાવ પાટણ (જિ. પાટણ) શહેરથી ઉત્તર - પશ્ચિમે બે કિ.મી. દૂર આવેલી છે. આ વાવ સરસ્વતી નદીના કિનારે છે. વાવની બાજુમાં પુરાણો કિલ્લો અને સહસ્રલિંગ તળાવ આવેલું છે.