________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૧૫
મૂર્તિવિધાન વિષ્ણુધર્મોત્તરપુરાણમાં વિગતવાર આપવામાં આવ્યું છે. જેમાં બ્રહ્માને એક મુખ, લાંબી દાઢી, મસ્તકે જટામુકુટ અને લલિતાસનમાં બેઠેલા હોય છે. ચાર હાથ પૈકી ત્રણમાં માળા, પુસ્તક અને કમંડલુ અને ચોથા હાથ સાવિત્રીને આલિંગન આપતો હોય છે. બ્રહ્માના ડાબા ઉત્સંગમાં સાવિત્રી બેઠેલ હોય છે. સાવિત્રીના બે હાથ પૈકી એક હાથમાં કમળ અને બીજો હાથ બ્રહ્માને આલિંગન આપતો બતાવાય છે.
રાણીવાવ-પાટણની ઉત્તર દીવાલના ચોથા પડથારના પ્રથમ ગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રીના યુગલ સ્વરૂપની સપરિકર પ્રતિમા આવેલી છે. પૂર્ણવિકસિત પદ્મના આસન ઉપર બ્રહ્મા જમણો પગ લટકતો રાખી બેઠેલ છે. ડાબા વાળેગા પગ પર સાવિત્રી દેવી જમણો પગ લટકતો રાખીને બેઠેલ છે. બ્રહ્માને ત્રણ મસ્તક બતાવ્યા છે. દરેક પર જટામુકુટ છે. બ્રહ્માના આગલા મુખ પર દાઢી મૂછ છે. બાકીના મુખ દાઢી વગરના છે. કાનમાં કુંડલ, ગળામાં હાર, પ્રલંબહાર, બાજુ પર કેયૂર, કટિમેખલા,પાદવલય અને પાદજાલક ધારણ કરેલ છે. બ્રહ્માના ચતુર્ભુજમાં અનુક્રમે પદ્મ, સુક, પુસ્તક અને સાવિત્રીને આલિંગન આપતો બતાવ્યા છે.
ડાબા ઉત્સંગમાં બેઠેલ સાવિત્રી દેવી દ્વિભુજ છે. મસ્તકે સુવર્ણમંડિત જટામુકુટ, કાનમાં સૂર્યવૃત્ત કુંડલ, કંઠમાં હાંસડી, સ્તનસૂત્ર, કેયૂર, હસ્તવલય, કટિમેખલા અમે પાદજાલક ધારણ કરેલ છે. દેવીના જમણા હાથનું આયુધ ખંડિત છે. ડાબો હાથ બ્રહ્માને આલિંગન આપતો બતાવ્યો છે.
આસનની આગળ બ્રહ્માના જમણા પગ પાસે વાહન હંસ દેવ તરફ મુખ રાખીને ઊભેલ છે. તેની બાજુમાં નમસ્કાર મુદ્રામાં આકૃતિ બેઠેલ છે. ડાબી બાજુ નમસ્કાર મુદ્રામાં બેઠેલ સ્ત્રીના મસ્તક પર સાવિત્રી દેવીએ જમણો પગ રાખેલ છે. સમગ્ર પ્રતિમાના પરિકરમાં બંને બાજુ દશાવતારનાં શિલ્પો કોતરેલાં છે. આ ગવાક્ષની જમણી બાજુ દર્પણ ધારણ કરીને અપ્સરાનું શિલ્પ અને ડાબી બાજુ વસ્ત્ર પરિધાન કરી રહેલ અપ્સરાનું સુંદર શિલ્પ છે. બ્રહ્મા-સાવિત્રીના આ સ્વરૂપનું એક શિલ્પ નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હીમાં આવેલું છે, જે ૧૨મી સદી જેટલું પ્રાચીન છે. એમાં બ્રહ્માને ત્રણ મુખ અને હાથમાં પદ્મ, અુક, પુસ્તક અને દેવીને આલિંગન આપતા બતાવ્યા છે. ડાબા ઉત્સંગમાં બેઠેલ દેવીના હાથમાં પદ્મ અને બ્રહ્માને આલિંગન આપતા બતાવ્યા છે.
આ સ્વરૂપની બીજી પ્રતિમાઓ ગુજરાતમાં ધૂમલીના શિવમંદિરના મંડોવરમાં રેતિયા પથ્થરમાં અને ખંભાતના સપ્તર્ષિ મંદિરમાં આરસમાં કંડારેલ જોઇ શકાય છે.
ઉમા-મહેશ્વર
શિવના પ્રતિમા-વિધાનમાં શિવની યુગલ પ્રતિમા વિશેનાં વિધાન પુરાણો, શિલ્પાશાસ્ત્રના ગ્રંથોમાંથી મળી આવે છે. મત્સ્યપુરાણ, અભિલષિતાર્થચિંતામણિ, દેવતામૂર્તિપ્રકરણ, અપરાજિતપૃચ્છા, રૂપમંડન વગેરેમાં શિવના યુગલ સ્વરૂપનું પ્રતિમા-વિધાન આપવામાં આવ્યું છે.
મત્સ્યપુરાણ, દેવતામૂર્તિપ્રકરણ, રૂપમંડન વગેરેમાં શિવને આસન પર બેઠેલા, અને ચાર હાથ