________________
યુગે યુગે પાટણની પ્રભુતા
विनिर्जिता शेषपुरश्रियोऽस्य, पुरः पुरोभागगतस्तडागः । महात्म्यमंभोजमुखैरसंख्यैः स्तोतीव भृंगीरुतगीविलासैः ॥४९॥
२०६
આ નગરે બીજાં નગરોનાં માન જીતી લીધાં છે, કારણ આ નગરના પુરોભાગે આવેલ સરોવર તેમાં ઉત્પન્ન થયેલ અસંખ્ય કમળપુષ્પોરૂપી અસંખ્ય મુખો વડે અને તે કમળોના મકરંદનું પાન કરવા આવેલા, ભમરાઓના ગુંજારરૂપ વાચા વડે તેનું માહાત્મ્ય વર્ણવે છે.
૫. સુકૃતસંકીર્તન :
ઠક્કુર અરિસિંહ આ કાવ્યનો કર્તા છે. તેના પિતાનું લાવણ્યસિંહ. વસ્તુપાળનો એ અશ્રિત કવિ હતો. તેણે ‘સુકૃતસંકીર્તન' નામક સંસ્કૃત કાવ્ય, વસ્તુપાળે કરેલ સત્કૃત્યોના વર્ણન માટે રચ્યું છે. તેમાં ચાવડા અને સોલંકીવંશોના રાજાઓની રાજાવલિ, તેના ટૂંક ઇતિહાસ સાથે રજૂ કરી, ભીમદેવ સોલંકીના નિર્દેશ પછી, લવણપ્રસાદ તથા તેના પુત્ર વીરધવલના રાજ્યકાળે, મંત્રીશ્વર વસ્તુપાળનું જીવન અને કવન રજૂ કરતાં, તેનાં સત્કાર્યોનું વર્ણન વિગતવાર આપેલું છે. આ કાવ્યના મંગલાચરણમાં બ્રહ્માની સ્તુતિ છે, તેમ જ વસ્તુપાળની માતા કુમારદેવી, શૈવધર્મ પ્રત્યે અનુરાગ ધરાવતી હોવાનું આ ગ્રંથમાં કવિશ્રીએ સૂચવ્યું છે. આથી કવિવર અરિસિંહ, જૈનેતર વૈશ્ય કે બ્રાહ્મણ હશે એવું અનુમાન કરી શકાય ઠક્કુર અટક બ્રાહ્મણ, ભોજકો અને વૈશ્યોમાં પણ હોય છે, તેથી આવો તર્ક કરવાને અવકાશ છે. તેમણે ગ્રંથમાં સહસ્રલિંગ સરોવર માટે એક શ્લોક રજૂ કર્યો છે.
यत्कारितं सिद्धसरः सरस्वता, तच्चापि पातुं घटभूरशक्तः । न वाग्यशोभंगभयादुपैति चाद्यैव विंध्याचलवृद्धिरक्षा ||३४||
સમુદ્રનું આચમન કરનાર અગસ્ત્ય પણ. સિદ્ધરાજના આ સરોવરનું.પાન કરવાને સમર્થ નથી, તેથી યશોભંગ થવાના કારણે વિંધ્યાચલ વધવા માંડે, એવું ખોટું બહાનું કાઢી આ સરોવરની પાસે અગસ્ત્ય પણ આવતા નથી.
૬. ગ્રંથિલાચાર્ય જયમંગલસૂરિ :
જયમંગલસૂરિ વાદિદેવસૂરિના શિષ્ય, રામચંદ્રના શિષ્ય હતા. તેઓ સંવતના ચૌદમા સૈકાની શરૂઆતમાં વિદ્યમાન હતા, એમ સુંધા પહાડ ઉપર ચારીગદેવની સં. ૧૩૧૯ની પ્રશસ્તિ ઉપરથી જણાય છે. કારણ આ પ્રશસ્તિ તેમણે રચી હતી. તેમણે સંસ્કૃતમાં કવિશિક્ષા તથા અપભ્રંશમાં ‘મહાવીરજન્માભિષેક’ કાવ્યો રચ્યાં છે. રાજાજ્ઞાથી તેમણે પાટણનું સંક્ષિપ્ત વર્ણન કર્યું હતું. તેમાં તેમણે સિદ્ધરાજના સહસ્રલિંગસરોવરની પણ નોંધ લીધી છે. જો કે તેમાં ફક્ત બે જ લીટીઓ આ સરોવર અંગે રજૂ કરી છે, પરંતુ સહસ્રલિંગ માટે કવિએ સુંદર કલ્પના મૂકી છે.
एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यता निर्जिता । मन्ये नाथ सरस्वतीजलतया नीरं वहन्ति स्थिता ॥ कीर्तिस्तंभमिषोच्चदंडरुचिरामुत्सृज्य बाहोर्बलात् । तंत्रीका गुरुसिद्धभूपतिसरस्तुंबां निजां कच्छपीम् ॥१॥