________________
યુગે યુગે પાટણની પ્રભુતા
પેલી ચારણી સ્ત્રીને તેમાંથી તેના પતિને ઓળખી લેવા જણાવ્યું. વાર્તાની પરાકાષ્ઠા તો એ છે કે બધાના આશ્ચર્ય વચ્ચે ચારણ સ્ત્રી બોલી ઉઠી કે એકત્ર થયેલા ૯૯૯ કાણા રાણામાં તેનો પતિ ન હતો. એટલે રાજાએ ફરી ઢંઢેરો પીટાવ્યો અને બીજા પ્રયત્ન તે મળી ગયો.
વીર વનરાજ ચાવડાએ વસાવેલા પાટણની જનસંખ્યા કેટલી વિશાળ હશે, તેની આ ઉદાહરણ પરથી કલ્પના જ કરવી રહી!
આવું ધન્યનગર પાટણ હતું, જેમાં લક્ષ્મી પણ લેખા વિનાની હતી!
(૬)
ધન્ય ધરા પાટણની! “પાટણ ઇતિહાસનો મહાશબ્દ છે” આ વિધાન કરનાર મહાકવિ નાનાલાલ દલપતરામ હતા. બીજા કોઇ નગરને નહિ પણ પાટણ અને માત્ર “પાટણ” ને જ ઇતિહાસનો મહાશબ્દ કહી કવિ નાનાલાલે આપણા પાટણનું બહુમાન કર્યું છે.
આ જ રીતે ગુજરાતી સાહિત્યના બેતાજ બાદશાહ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પાટણ નગરને બિરદાવતાં, એનું સન્માન કરતાં અને એનું ગૌરવ કરતાં લખ્યું છે કે, “પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધારબિંદુ માન્યું છે”
પાટણના કેટલાક રાજવીઓ, કેટલીક સામ્રાજ્ઞીઓ, શ્રેષ્ઠીઓ, કલાકારો, વિદ્યાધરો, વારાંગનાઓ, વહેપારીઓ, મહામાત્યો, આચાર્યો તો મહાન હતાં જ, આ બધાં પાત્રોનું ગૌરવ વધારતું અને એમનાં પરાક્રમો રજૂ કરતું અઢળક સાહિત્ય રચાયું છે. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રી ધુમકેતુ, શ્રી મોહનલાલ બાભાઇદાસ પટેલ, શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ, શ્રી મોહનલાલ ધામી, શ્રી મડીયા, શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને બીજા અનેક સાહિત્યકારોએ ચાવડાવંશ, સોલંકીવંશ અને વાઘેલા વંશને કેન્દ્રમાં રાખીને તેનાં પાત્રો અને ઘટનાઓ, ઉપર નવલકથાઓ તથા નવલિકાઓ, નાટકો તેમજ સંશોધન લખી પાટણનું ગૌરવ વધાર્યું છે.
પરંતુ પાટણની ધરતી પર એવી પણ ઘટનાઓ ઘટી છે અને પાટણના ઇતિહાસમાં એવી ઘટનાઓ નોંધાઈ છે જે વાંચીને કે સાંભળીને બોલાઇ જાય છે ધન્ય ધરા પાટણની !
આ ઘટના છે સોલંકીવંશના બાર રાજાઓ પૈકી છ રાજાઓએ સ્વેચ્છાએ કરેલી ગાદીત્યાગી
(૧) મૂળરાજ ૧ લો સોલંકીવંશનો સ્થાપક પાટણની ગાદી પર આવનાર પ્રથમ રાજા હતો પોતાના મામા અને ચાવડા વંશના છેલ્લા નબળા રાજા સામંતસિંહને મારી મૂળરાજે ગાદી કબજે કર્યાની ઇતિહાસમાં નોંધ છે. પંચાવન વર્ષ સુધી રાજ્ય કર્યા પછી વિ.સં. ૧૦૫૩માં પોતાના પુત્ર - ચામુંડરાજનો રાજ્યાભિષેક કરી મૂળરાજ શ્રી સ્થળ (સિધ્ધપુર) આવી સરસ્વતીના કિનારે રહી શેષ જીવન ઇશ્વરસ્મરણમાં ગાળ્યું. સોલંકીવંશનો સ્થાપક જેમ ગાદી મેળવવા સમર્થ નીવડ્યો, એ જ રીતે