________________
૩૮૮
યુગે યુગે પાટણની પ્રભુતા હોવાની કલ્પના કરવી નિરાધાર છે.
અહીં જેઠાલાલ ત્રિવેદી કે.કા.શાસ્ત્રીના મુદ્દાઓનું ખંડન કરીને રા.. મોદી કથિત જીવનકાળ નિર્દેશતા જણાય છે. આ માટે પોતાના તરફથી વિશેષ અનુમાનો પણ પ્રસ્તુત કરે છે. પરંતુ આપણે જોઈ ગયા કે પાયામાં જે આધારસામગ્રી છે એ જ અશ્રદ્ધેય સામગ્રીની આસપાસ વાદ-પ્રતિવાદમાં આખી ચર્ચા અટવાઇ ગઇ. જેઠાલાલ ત્રિવેદીના આ મુદ્દાઓનો ખુલાસો કે.કા.શાસ્ત્રીએ ઇ.સ. ૧૯૭૬માં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-૨'માં કરવો જોઇતો હતો. પરંતુ કે.કા. શાસ્ત્રીએ જેઠાલાલ ત્રિવેદીની આ આખી ચર્ચાની નોંધ જ લીધી નથી.
આ થઈ ભાલણના ચરિત્ર અને સાથે સાથે સમય અંગેની વાત. જેનું ખરું મૂળ છે નારાયણ ભારતીની ભાલણની ચરિત્રવિષયક વિગતો. આ વિગતોમાં સેળભેળ છે. કેટલીક છે કૃતિના આંતર પ્રમાણોને આધારે અને કેટલીક છે નરી અનુમાનમૂલક વિગતો જ ચર્ચાસ્પદ બની છે. બાકીની જે આંતરપ્રમાણોને આધારે છે તે સંદર્ભે તો તમામ વિદ્વાનો એકમત છે. બધી બિનવિવાદાસ્પદ વિગતોને ખપમાં લઇને ભાલણના ચરિત્ર વિષયે એટલું કહીએ કે ભાલણ પાટણનો વતની, જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ અને અવટંકે ત્રવાડી હશે. આ ભાલણને ઉદ્ધવ અને વિષ્ણુદાસ નામે બે પુત્રો હશે, તે બહોળો સંયુક્ત પરિવાર ધરાવતો હશે, પરિવાર સમક્ષ પોતાની રચનાઓ પ્રસ્તુત પણ કરતો હશે, વૈદિક ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન ભાલણ શૈવ, શક્તિ, કૃષ્ણ અને રામમાં પણ શ્રદ્ધા ધરાવતો હશે, તે સંસ્કૃત અને પુરાણોનું પણ જ્ઞાન ધરાવતો, માનવભાવોનો અને તેમાં બાળમાનસનો અચ્છો જ્ઞાતા હશે.
બીજો મુદ્દો છે સમય અંગેનો. જ્યારે ભાલણની કૃતિનો રચના સમય પ્રાપ્ત થતો નથી ત્યારે જીવનકાળનું અનુમાન તો થઈ શકે જ નહીં. કૃતિમાં કર્તા દ્વારા જન્મ અંગે કે અન્ય શિષ્યસર્જકે મૃત્યુ અંગે કંઇ સામગ્રી રજૂ કરી હોય તો જ સર્જકનો ચોક્કસ વર્ષ દર્શાવતો જીવનકાળ નિર્દેશી શકાય. (ઘણાં બધાં જૈન સર્જકો માટે આ પ્રકારની વિગતો ઉપલબ્ધ છે.) કવનકાળનું અનુમાન પણ આખરે તો અનુમાન જ છે. પરંતુ ભાલણના કવનકાળના અનુમાન માટે ભાલણના પુત્ર વિષ્ણુદાસની રચના ‘રામાયણ’ના ઉત્તરકાંડનો રચનાસમય ઇ.સ. ૧૫૧૯ મળે છે, તેને આધારભૂત માનીએ અને આ રચનાથી દશેક વર્ષ પાછળના સમયને અર્થાત્ ઇ.સ. ૧૫૧૦ને ભાલણના કવનકાળનું અંતિમ વર્ષ અનુમાનીએ અને એ સમયથી પચ્ચાસેક વર્ષ પૂર્વે ભાલણે સર્જનનો આરંભ કર્યો હોય એવું અનુમાન કરીએ તો ઈ.સ. ૧૪૬૦ થી ઈ.સ. ૧૫૧૦નો સમય એટલે કે, બહુધા પંદરમા શતકનો ઉત્તરાર્ધ અને સોળમા શતકનો એકાદ દાયકો ભાલણના કવનકાળ માટે અનુમાની શકાય..
ભાલણના ચરિત્ર અને સમય અંગે ઊભા થયેલા વિવાદો અને ગુંચવાડાઓ બે સંશોધક વર્ગના પ્રતિબદ્ધ commited ખ્યાલોમાંથી ઊભા થયા હોય એવું લાગે છે. શ્રી કે.કા. શાસ્ત્રી વૈષ્ણવ સંપ્રદાયના દષ્ટિબિંદુવાળા હોવાને કારણે અને શ્રી જેઠાલાલ ત્રિવેદી ભાલણની મોઢ જ્ઞાતિના હોવાના . કારણે પોતપોતાના ખ્યાલોથી પ્રેરાઈ-દોરવાઇ અને ભાલણને નરસિંહનો અનુગામી અને બીજા નરસિંહનો પુરોગામી માનીને ચાલે છે. આ પ્રતિબદ્ધ ખ્યાલોને કારણે મૂલ હકીકત અને એમાં રહેલ