________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૬૧ જુનાં પાટણમાં તે નામનો મહોલ્લો હતો. જેના આધારો આગળ આપી ગયા છીએ. રાજકાવાડો નામ યુવરાજવાડામાંથ, રાજવાડો કે રાજકાવાડો નામ પડ્યું હોય તેવું અનુમાન કરવાને અવકાશ છે, પણ તેના માટે બીજ પ્રમાણોની અપેક્ષા રહે છે. બીજું સંવત ૧૫૭૬માં રચાયેલી સિદ્ધસૂરિની ચૈત્યપરિપાટીમાંથી રાજવાડો કે રાજકાવાડાનું સ્પષ્ટ નામ મળે છે. એટલે યુવરાજડામાંથી રાજવાડો કે રાજકાવાડો નામ પડયું હોવાનું અનુમાન ટકી શકતું નથી. પીંપળાવાડો જૈનોનો એક જાણીતો મહોલ્લો હતો અને આજે પણ તે વિદ્યમાન છે. સંવત ૧૫૦૭ના એક પ્રાચીન દસ્તાવેજમાંથી આ મહોલ્લાનું નામ મળે છે. આમ નવા પાટણમાં જે જે મહોલ્લાઓ શરૂઆતથીજ વસેલા તેની સામાન્ય ચર્ચા વિચારણા આપણે કરી ગયા. પરંતુ આ સિવાય બીજા સેંકડો મહોલ્લા પાટણમાં હતા. તેના માટે જે જે પુરાવાઓ ચૈત્યપરિપાટીઓમાંથી મળે છે. તેની વિગતવાર માહિતી હવે રજુ કરીશું. પ્રાચીન પોળોની વિસ્તારપૂર્વક હકીકતમાં રજુ કરવામાં સૌથી પ્રાચીન સિદ્ધસૂરિની સંવત ૧૫૭૬માં રચાયેલી ચૈત્યપરિપાટીને મુખ્ય આદર્શ તરીકે રાખી છે. ત્યારબાદ સંવત ૧૬૪૮ની લલિતપ્રભસૂરિની અને સંવત ૧૭૨૯માં રચાયેલી હર્ષ વિજયજીની પરિપાટીઓમાંથી મળતાં નામોનો પૂર્વાપરસંબંધ વિચારેલ છે. ત્યારપછી આજની પરિસ્થિતિમાં અને હાલનાં નામોની માહિતિ રજુ કરી ત્યાં જૈન મંદિરો સિવાયના જે જે મહોલ્લાઓ આવેલા છે. તેની પણ થોડીક વિગતો તેની સાથે રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેથી જૈનં અને જૈનેતર બધા પાટણના મહોલ્લાઓ સંબંધી જ્ઞાન હકીકત આપવામાં આવેલ છે.
ઊંચીશેરી
હાલના પાટણની ઉત્તર દિશામાં અઘારો-આગ્રાઈ દરવાજો આવેલો છે. તેની નજદીકમાંજ “ઊંચીશેરી” નામનો મહોલ્લો છે. આ મહોલ્લો સોળમાં સૈકામાં વિદ્યમાન હતો અને પ્રાચીન ચૈત્યપરિપાટી ઉપરથી જાણી શકાય છે. આજે ત્યાં એક પણ જૈન મંદિર નથી તેમજ ત્યાં જૈન શ્રેષ્ઠીઓનાં ઘરો નથી. પહેલાં ત્યાં જૈનોની વસ્તી હતી અને ભણસાળીનું દહેરૂં નામે જૈન મંદિર પણ હતું આજે તો તે લેઉવા પાટીદારનો મહોલ્લો છે. આ મહોલ્લામાં એક સ્થળે ઉપાશ્રયનું સ્થાન બતાવવામાં આવે છે. પંચાસરનો પાડો :
ઊંચીશેરીની સામે જ પંચાસરનો પાડો આવેલો હતો. બધી પરિપાટીવાળાઓએ પંચાસરનો પાડો અને તેમાંના મુખ્ય પંચાસર પાર્શ્વનાથ અને બીજા ચાર જૈન મંદિરો સાથે કુલ પાંચ મંદિરો ત્યાં જણાવેલ છે. આજે કેટલાક વૃદ્ધો પ્રાચીન પંચાસરથી આ સ્થાનને ઓળખે છે. પ્રાચીન પાટણમાંથી પંચાસર પાર્શ્વનાથની પ્રતિમા નવા પાટણમાં લાવ્યા ત્યારે સૌ પ્રથમ અહીં મંદિર બંધાવી તેમાં તે પ્રતિમાં પ્રતિષ્ઠિત કરેલી. તેટલું જ નહિ પણ તે મહોલ્લાનું પણ પંચાસરનો પાડો રાખેલું. આજે ત્યાં વણકર લોકોનાં મકાનો આવેલાં છે અને તેના એક ભાગ ઉપર સ્કૂલનું મકાન છે. ઉચ્ચત્તરના માણસો રાજકીય ઉથલ પાથલોમાં અહીંથી ખસી બીજે રહેવા ગયા પછી અહીં હરિજનો રહેવા આવ્યા હોવાનું સમજાય છે. સંવત ૧૭૨૯ સુધી પંચાસર પાર્શ્વનાથનું મંદિર અહીં જ હતું. ત્યારબાદ અઢારમાં સૈકામાં કે તેના અંતભાગે અહીંથી જૈન મંદિરોની પ્રતિમાઓ બીજે ખસેડી હોવાનું લાગે છે. આ