________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૪૬
(૪૮) વડલી ગામમાં જમીનમાં દઢાયેલ અણહિલપુર પાટણ
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય “ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન લક્ષ્મી વડે સદાકાળ અલિંગિત એવું આ અણહિલવાડ નામનું નગર છે.”
“નગરને ફરતો કોટ છે. કોટને ચારે બાજુ ફરતી ખાઇ સદા પાણીથી ભરેલી છે, જેથી નગરનું રક્ષણ થાય છે.”
“અણહિલપુરમાં ૧૮૦ કોટયાધીશો રહેતા હતા ત્યારે લખપતિઓનું તો પૂછવું જ શું?”
શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમા, સત્યમાં, પદર્શનમાં અને વેદનાં છ અંગોમાં આ નગરનાં (પાટણના) લોકો અગ્રેસર છે.”
“અણહિલપુર પાટણ એટલે નરસમુદ્ર.” “આ નગર વિદ્યા અને કલાનું કેન્દ્ર છે. આ નગરનો ઇન્દ્રપુરી જેવો વૈભવ છે.”
“નગરમાં મોટા મોટા મહાલયો અને દેવાલયો છે, જેના ગવાક્ષો શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.”
“આ અણહિલપુર પાટણ પાસે ઉંચો કીર્તિસ્તંભ છે, જ્યાં ગગનસિંધુના પક્ષીઓ વિશ્રામ કરતાં હતા.”
પ્રાચીન સાહિત્યમાં અમારા અણહિલપુર પાટણનું આવું ભવ્યાતિભવ્ય વર્ણન કરેલું છે. કવિઓએ કદાચ નગરનું વર્ણન કરવામાં અતિશયોક્તિ કરી હોય તો પણ એક કાળે પશ્ચિમ ભારતના પ્રબળ સામ્રાજ્યની પાટનગરી તરીકે અણહિલપુર પાટણનું વિશિષ્ઠ સ્થાન હતું. તેમાં કોઇ શંકા નથી.
સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલ મહાન ગ્રંથો જેમાં પાટણનું ઉપર જણાવ્યા મુજબ વર્ણન કરેલું છે. તે ગ્રંથોમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું ‘દ્વયાશ્રય” મહાકાવ્ય તથા પ્રાકૃત દ્વયાશ્રય મુખ્ય છે.
આ ઉપરાંત ગુર્જર રાજવીઓના વંશ પરંપરાગત પુરોહિત કવિશ્રી સોમેશ્વર રચિત કીર્તિકૌમુદી” નામનું મહાકાવ્ય, બાલચંદ્ર સુરિના ‘વસંત વિલાસ', અરિસિંહના સુકૃત સંકીર્તન' તેમજ મંત્રી યશપાલના ‘મોહરાજ પરાજય' નાટકમાં અણહિલપુર પાટણનું સુંદર વર્ણન આલેખાયેલું છે.
વીર વનરાજે વિક્રમ સંવત ૮૦૨માં પોતાના એક ભરવાડ મિત્ર અણહિલના નામ પરથી અણહિલવાડ નગર વસાવ્યું હોવાનું લગભગ સર્વ સ્વીકૃત છે. આ નગરના અનેક નામો ગુજરાત તથા ગુજરાત બહાર પ્રચલિત હતા. આ નગર અણહિલવાડ, અણહિલપુર, અણહિલ પત્તન, પિરાણ