________________
आचारांगसूत्र
२२३
સૂત્રાર્થ :- તે આચાર્ય ભગવંતની નિશ્રાથી યુક્ત (ઉપસર્ગ કે પરિષહોથી) પરાભૂત નહીં થયેલો, વિવેકી, આશ્રવ રહિત મુનિ અકર્મા થાય છે.
ભાવાર્થ :- દુર્ગતિની પ્રાપ્તિનું કારણરૂપ પોતાની મતિકલ્પનાયુક્ત અનુષ્ઠાન નહિ કરતો સર્વકાર્યોમાં આ.ભ.ની નિશ્રામાં રહેલો મુનિ અનુકૂલ કે પ્રતિકૂલ ઉપસર્ગો વડે કે પરતીર્થિકો વડે પરાભવ પામતો નથી. માટે જ વિવેકયુક્ત સર્વજ્ઞ પરમાત્માનો ઉપદેશ જ પ્રાણીઓને આલોકમાં પરમસુખના = મોક્ષસુખના સાધનરૂપ હોવાથી આ સંસારમાં) સારભૂત છે. બીજું નહીં; કોઈ માતા-પિતા-પત્નિ-મિત્ર-પુત્ર વિ. દુર્ગતિના સાધનભૂત હોવાથી અસાર છે. પરસ્પર વિરૂદ્ધ બોલનારા અને મિથ્યાત્વ સહિત એવા પરતીર્થિકો પણ સારભૂત નથી.
ખરેખર ! આપણું શરીર, આલોક (ઘર વિ.) આદિ પદાર્થોનું ઈશ્વરે સર્જન કર્યું છે. આવું વૈશેષિકો માને છે તે યુક્તિ સંગત નથી. કારણ કે જે મેઘધનુષ છે તે વિગ્નસા પરિણામથી = સ્વાભાવિક રીતે જ બને છે તેવા અનેક સ્થળે ઈશ્વરનું કર્તુત્વ નથી માટે અતિવ્યાપ્તિ દોષ આવે છે.
અને ઘટાદિમાં કુલાલાદિનો વ્યાપાર (પ્રયત્ન) દેખાય જ છે. તેથી જો અદષ્ટ એવા ઈશ્વરનું તેમાં કર્તુત્વ માનીએ તો રાસભાદિ પણ કારણરૂપ થવા જોઈએ. આવી આપત્તિ આવે છે.
તે જ રીતે પ્રકૃતિકર્તા છે. અને અકર્તા એવો પુરૂષ તેનો ભોક્તા છે. આવું સાંખ્યદર્શનનું માનવું પણ યુક્તિ સંગત નથી. અચેતન (જડ) એવી પ્રકૃતિને ચેતનવંત આત્માના ઉપકાર માટે કરવાની કોઈ સંભાવના નથી. અને નિત્ય એવી પ્રકૃતિને કોઈ પ્રવૃત્તિ કરવાનો સવાલ જ નથી રહેતો. તેથી અકર્તા એવા પુરૂષને સંસાર, સંસારથી ઉગ-ઉત્સાહ-ઉપભોક્નત્વ, મોક્ષ આદિ સંગત નથી. | સર્વ વસ્તુ ક્ષણિક છે. આવું બૌદ્ધોનું માનવું પણ યુક્તિસંગત નથી. કોઈપણ વસ્તુ સર્વથા નાશ પામે તો તેનો કાર્યકારણભાવ સંગત નથી થતો. પરંપરાયુક્ત વસ્તુનો અભાવ માનવામાં પરંપરાનો અભાવ થાય છે તેથી એક પરંપરા તેમાં પાછળ-પાછળની પરંપરા અંતર્ભત થાય છે. તેવી કલ્પનાનો પણ સંભવ રહેતો નથી. બૃહસ્પતિનો એવો વાદ પાંચ ભૂતમાત્રથી જ જીવ થાય છે. તેનો નાશ થતાં જીવનું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી. તેથી આત્મા પુણ્ય, પાપ, પરલોક આદિનો અભાવ થશે. જે અતિનિંદનીય છે. આ પ્રમાણે સાચા અને ખોટામાં વિવેકી એવો મુનિ પોતાની સેવા પ્રમાણે વ્યાખ્યા કરવાની શક્તિનો અભાવ હોય તો આચાર્ય આદિના ઉપદેશથી યથાવસ્થિત વસ્તુમાં વિવેકી અણિમાદિ આઠ સિદ્ધિના ઐશ્વર્યને અથવા તો પરતીર્થિ વડે કરાયેલ ઈન્દ્રજાલ વિ.નો પણ નહીં ગણકારતો, લઘુકર્મીજીવ અણુમાત્ર પણ જીનેશ્વરના ઉપદેશનું ઉલ્લંઘન કરતો નથી. તેથી જ આશ્રવદ્વારને રોકતો, હંમેશાં કર્મશત્રુને દૂર કરવામાં ઉદ્યમવંત થાય છે. તેથી કર્મ રહિત થાય છે. ઘાતકર્મ રહિત પણ થાય છે. તેના અભાવથી કેવલજ્ઞાની અને કેવલદર્શી થાય છે. તેવો મુનિ જ સંસારસાગરનો પારગામી બને છે. એ પ્રમાણે ભાવાર્થ છે. I૪૨