________________
आचारांगसूत्र
२९१ આમર્દોષધિ આદિથી યુક્ત ઋદ્ધિવાળા મુનિ ભગવંતનો વિનય, દર્શન, ગુણાનુવાદ, પૂજન, સ્તવન આદિ કરવું તે દર્શન ભાવભાવના કહેવાય છે. આ સર્વ ભાવના નિરંતર ભાવવાથી દર્શનશુદ્ધિ થાય છે. | દર્શનશુદ્ધિના અન્ય કારણ પણ જણાવે છે. તીર્થંકર પરમાત્માની જન્મભૂમિ, ચારિત્રભૂમિ, કેવલજ્ઞાન ઉત્પત્તિ ભૂમિ, નિર્વાણ ભૂમિ તેમજ દેવલોકમાં, મેરૂપર્વતના, નંદીશ્વરદ્વીપ આદિના પૃથ્વીતટના, પાતાલભવનનાં જે પણ શાશ્વત ચૈત્યો છે તે સઘળા તેમજ અષ્ટાપદ, ગિરનાર, ગજપદકૂટ, દશાર્ણકૂટ, તક્ષશિલા, ધર્મચક્રતીર્થ, ધરણેન્દ્રના મહિમા કરવારૂપ અહિછત્રાના, વજસ્વામીએ પાદપોપગમન અનશન કર્યું હતું. તેના રથાવર્ત પર્વતમાં, ચમરેન્દ્ર જ્યાં પરમાત્મા શ્રીવર્ધમાનસ્વામીના શરણમાં આવ્યો હતો તે સ્થાન, તે જ રીતે યથાયોગ્ય પરમાત્માના પૃથ્વીતલ પર રહેલા પ્રાચીન-અર્વાચીન સમસ્ત તીર્થને વિષે વિનય, દર્શન, પૂજન આદિથી દર્શનશુદ્ધિ થાય છે.
જ્ઞાનભાવના આ મુજબ છે. તત્ત્વની શ્રદ્ધા તે સમ્યગદર્શન છે. જીવાદિ નવ પદાર્થ તે તત્ત્વ છે. તે નવ પદાર્થ તત્ત્વજ્ઞાનનાં ઈચ્છુક જીવે સારી રીતે જાણવા જોઈએ. તે જીવાદિ નવ પદાર્થનું જેવું સત્ય છે તેવું જ સાચું જ્ઞાન, સમસ્ત પદાર્થને પ્રગટ કરતા પરમાત્માના આગમમાં જ મળી શકે છે. તે જ્ઞાન આ રીતે છે. સમ્યગદર્શન તેમજ ચારિત્રરૂપ કરણ દ્વારા મોક્ષનું કાર્ય સિદ્ધ થાય છે. સમ્યગુદર્શનાદિ ક્રિયાને કરનાર સાધુ છે. તેથી મોક્ષ પ્રાપ્તિરૂપ ક્રિયાની સિદ્ધિ અહીં જૈનાગમમાં જ છે. આવા પ્રકારની સાચી સમજણ તે જ્ઞાનભાવના જાણવી.
તેમજ આઠ પ્રકારના કર્મપુદ્ગલ વડે સંસારી જીવ દરેક પ્રદેશથી બંધાયેલો છે. મિથ્યાત્વાદિ બંધના કારણ છે. આઠ કર્મનું બંધન છે તેના ફળરૂપે ચાર ગતિરૂપ સંસારમાં ભમતાં જીવને શાતા (સુખ) અશાતા દુઃખ) આદિનો અનુભવ થાય છે. ઈત્યાદિ અથવા તો બીજું પણ જે કંઈ સારું જણાવેલું છે. તે સર્વ આ જ જૈનાગમમાં કહેલું છે. તેના વિષયક જે ભાવના ભાવવી તે સઘળી જ્ઞાનભાવના કહેવાય છે.
અહિંસારૂપ ધર્મ, સત્ય બોલવું, અદત્તાદાનનું અગ્રહણ, બ્રહ્મચર્યની નવગુપ્તિનું પાલન, પરિગ્રહ વિરમણ, આ પાંચ મહાવ્રત આ જૈનશાસનમાં જ છે. અન્યત્ર નહીં. આ રીતે પાંચ મહાવ્રતના સ્વરૂપની વિચારણા કરવી. વૈરાગ્યભાવના, અપ્રમાદભાવના, એકાગ્રભાવના વિગેરે ચારિત્રને આશ્રયીને કરાતી ભાવના તે પણ ચારિત્ર (ચરણ) ભાવના છે. નિવૃત્તિ (આહારાદિ ત્યાગરૂપ) આદિ કયા તપ વડે મારો (આજનો) દિવસ સફળ થશે? કયું તપ કરવા માટે મારી શક્તિ છે? કયું તપ કરવામાં મને કેટલા દ્રવ્યાદિ વડે ચાલી શકશે? કયા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવના હું આ રીતના તપ કરવા માટે શક્તિમાન છું? ઈત્યાદિ વિચારવું તે તપભાવના છે.