________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૩૭
જીવનનાં ચિત્રોને ભક્તિ જોડે સાંકળી લેવામાં આવ્યાં. દા.ત. “કળિકાળનો ગરબો અને “કજોડાંનો ગરબો'માં આમ તો વૃદ્ધ પતિની જુવાન પત્નીની દુર્દશા દર્શાવાઈ છે, પણ એ યુવતી ગોરમાને સંબોધીને વર્ણવે છે, અને અંતમાં એ ગોરમાને સમર્થ ધણી આપવા વિનવણી કરે છે. એટલું જ નહિ પણ સહુને માટે એવી યાચના કરે છે. કૃષ્ણના યુગમાં પણ કવિતામાં સમકાલીન સમાજનું આરોપણ થયું છે. જેમ કે દયારામની શીખ સાસુજી દે છે રે વહુની રંગે–ઢંગે' એ ગરબીમાં કે રાજેની બોલી ઊઠ્યાં બાઈજી વહુઆરુ રે.આવડી ક્યાં લાગી વાર એ નવ સારું રેમાં ગોપી અને એની સાસુનો સંવાદ છે. તેમાં સમકાલીન રંગ છે – લોકગીતોની ગરબીમાં નિર્ભેળ સમાજદર્શન કરાવાયું હોય છે. મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત કે “મારો ગરબો રે રમે રાજને દરબાર, રમતો રમતો રે ગયો કુંભારીને દ્વાર' ઇત્યાદિમાં સમાજદર્શન કરાવાયું હોય છે. એમ કહી શકાય કે, વસ્તુદૃષ્ટિએ વિચારતાં ભક્તિનો મૂળ ઉદ્દેશ લક્ષમાં રાખી ભક્તિમાંથી ક્રમશઃ વ્યવહાર તરફ સંક્રમણ થતું ગયું. અને ગરબાગરબીના સ્વરૂપ દ્વારા ગ્રામજનતાની વિવિધ સમસ્યાઓ તથા ભાવસંવેદનો એ સ્વરૂપમાં વ્યક્ત થતાં ગયાં.
ગરબાગરબીનો રસદૃષ્ટિએ વિચાર કરતાં પ્રથમ શૃંગાર લઈએ. કારણ કે આ પ્રકારનાં કાવ્યોમાં શૃંગારને ઉદ્દીપન અને વ્યભિચારી ભાવોનાં વૈવિધ્યનો પૂર્ણ લાભ મળે છે. ગરબામરબીના શૃંગારમાં મુખ્ય પાત્રો કૃષ્ણ અને રાધા કે ગોપીઓ હોય છે. ગરબા મોટેભાગે શક્તિભક્તિ સાથે સંકળાયેલા હોવા છતાં એમાં રાધાકૃષ્ણ અને ગોપીની પ્રણયલીલા વિવિધ રીતે વર્ણવાતી. જેમ કે “આંખ મીચામણીનો ગરબો', ‘રાસનો ગરબો', “ચન્દ્રાવલિનો ગરબો', શૃંગારકીડાનાં નાયકનાયિકા વિશેષે કરીને રાધા અને કૃષ્ણ જ હોય છે. એમાં કાં તો બેમાંથી એક જણની આત્મોક્તિ હોય છે અથવા બન્નેનો સંવાદ હોય છે, ક્યારેક કૃષ્ણ રાધાને ખુશ કરવા એની પ્રશંસા કરે છે. એ રાધાને કહે છે –
મારે ઠરવાનો ઠામ એક તારી જાતડી જો રાતદિવસ ધ્યાન તારું મનમાં જો નિદ્રા થાતાં તને દેખું છું સ્વપ્નમાં જો મારી રસના રાધારટણ મૂકતી નથી જો.
ક્યારેક વાંસળી પિયુનું અધરામૃત પીએ છે તે માટે રાધા એની ઈર્ષા કરે છે. વલ્લભ ભટના “સતભામાનો ગરબો'માં પારિજાતનું પુષ્પ કૃષ્ણ રૂક્મિણીને આપ્યું તેથી સભામાં છંછેડાઈ છે. કૃષ્ણને કહે છે –