________________
૫૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
અને બીજા કડવા વચ્ચે સાંધણકડી રૂપ હતું. વલણની બીજી પંક્તિનો ઉત્તરાર્ધ તે પછીનાં કડવાંની પ્રથમ પંક્તિનો પૂર્વાર્ધ બનતો હોય એવી રચના સામાન્ય રીતે પ્રચલિત હતી. જેમકે પ્રેમાનંદમાં “ચન્દ્રહાસ આખ્યાન'માં ૧૯મા કડવામાં વલણની બીજી પંક્તિ છે –
એવાં વચન સુણી ભૂપનાં, મેધાવિની વાણી વદે રે -પછી વીસમા કડવાની પ્રથમ પંક્તિનો પૂર્વાર્ધ છે : મેધાવિની એમ ઉચ્ચરે.
આમ વલણ એ કડવાનું મહત્ત્વનું અંગ હતું. એમાં પ્રથમ પંક્તિમાં આ કડવામાં કયો પ્રસંગ નિરૂપાયો તેનો સંક્ષેપ આવતો અને દ્વિતીય પંક્તિમાં હવે પછીના કડવામાં શું આવશે તેનો ઉલ્લેખ હોય છે. કડવાનાં ત્રણ અંગો – રાગસૂચક મુખબંધ ઢાળ અને વલણ આખ્યાનને સુસંકલિત બનાવતાં.
આખ્યાનનું બીજું મહત્ત્વનું અંગ એનું કથાતત્ત્વ છે. આખ્યાન કથાકાવ્ય છે, પણ અન્ય કથાકાવ્યોથી એ રીતે જુદું પડે છે કે આખ્યાન ધર્મકથા છે, અને કથા શ્રોતાઓની ધર્માનુરાગીતા જાગૃત કરવા તથા દઢ કરવા રચાઈ હોય છે. જ્યારે અન્ય કથાઓ મનોરંજન માટે જ રચાઈ હોય છે.
આખ્યાનમાં જે કથાઓ રજૂ થતી તે અન્ય કથાસાહિત્યથી એ રીતે ભિન્ન છે કે એ કથાઓનો મુખ્ય ઉદ્દેશ તો ભિન્ન ભિન્ન સંપ્રદાયના તથા સંપ્રદાય જોડે ન સંકળાયેલા લોકોમાં ધર્મભાવના સિંચવાનો હતો. એટલે માણભટો જે આખ્યાનો લોકોની મેદની સમક્ષ ગાઈ – બજાવીને રજૂ કરતા. જેથી એમાં ઉપદેશનું તત્ત્વ, કથારસને દાબી ન દે. એ કથાઓ પુરાણોમાંથી, કે શ્રીકૃષ્ણ ભક્તોને સંકટ સમયે સહાય કરેલી તે પ્રસંગોનું વિસ્તારથી નિરૂપણ કરતા. જેમ કે, નરસિંહના પિતાનું શ્રાદ્ધ, દીકરીનું સીમંત, શામળશાનાં લગ્ન. એ બધા પ્રસંગોમાં કૃષ્ણ જે સહાય કરેલી તે પ્રસંગો કથાવસ્તુ તરીકે પસંદ કર્યા છે. સગાળશા, ચેલૈયા, કબીર વગેરે ભક્તોનાં જીવનના પ્રસંગો પર આખ્યાનો રચાયાં છે. મહાભારત, રામાયણ, શ્રીમદ્ભાગવતમાંથી પાત્રો લઈને આખ્યાનોની રચના થઈ છે. એ ઉપરાંત ભાગવતના દશમસ્કંધને આધારે પણ આખ્યાનોની રચના થઈ છે. આમ છતાં કવિ મૂળ કથામાં યથેચ્છ ફેરફાર કરતા, કૃતિને સ્થાનક રંગ આપતા, કારણકે એ આખ્યાનો સમકાલીન સમાજની આમજનતાની સમક્ષ રજૂ કરવાનાં હતાં. એથી મહાકાવ્યો કે પુરાણની જોડે જેને કથા સંબંધ ન હોય તેવા પ્રસંગો પણ સાંકળી લેવાતા. જેમકે વાસુ એના