________________
૩૭૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
આપનાર તરીકે માંડણ આ પરંપરામાં ધ્યાનપાત્ર કવિ બન્યો છે. એણે ‘રૂકમાંગદકથા’ અને ‘રામાયણ' પણ લખેલ છે.
મેરે તો ગિરધર ગોપાલ' એમ કહેનારી મીરાં (ઇ.૧૪૯૮-૧૫૬૩-૬૫) નરસિંહ મહેતા પછી, કાળાનુક્રમે આવતી, આ ધારાની મહત્ત્વની ભક્તકવિ છે. રામાનંદશિષ્ય રૈદાસ એના ગુરુ હતા એમ મનાય છે.૧૭ એમની પાસેથી, કદાચ એને પ્રેમસાધનાનો મંત્ર મળ્યો હતો અને ગિરધર મારો સાચો પ્રીતમ' એમ સમજી એની સેવામાં એ મસ્ત બની હતી. ગિરધ૨-પ્રીતમ પરત્વેનો રાગ અને સંસાર પરત્વેનો વિરાગ, એના હૈયામાં, એણે ઉત્કટતાથી અનુભવ્યો છે. એ અનુભૂતિને એણે શબ્દરૂપ કરી છે, જે આપણી કવિતામાં સમૃદ્ધિ લાવે છે. આ કવિતા મીરાંના જીવન અને માનસને સુરેખ રીતે ઉપસાવી આવે છે.
કોઈ ધન્ય પળે, એને, ગુરુસમાગમ થયો હશે અને એના હૈયામાં પ્રભુમિલનની અભીપ્સા પ્રગટી હશે, એવો ખ્યાલ એનાં પદો પરથી આવે છે. એથી એણે ‘સંતસાધુ’ને પોતાના સાથી બનાવ્યા છે. એનો સંસાર દુન્યવી સંસાર નથી! દુન્યવી વ્યવહારને એણે ‘ગિરધર'નો સંદર્ભ આપી દીધો છે. સંસારનો સાસરવાસ છોડી વૈકુંઠવાસના મહિયરમાં એને રહેવું છે. અવિનાશી વિથંભર જ એનો નાવલિયો છે, એવું એને ‘જીવનપ્રમાણ' મળ્યું છે. એજ એની મોટી મીરાત છે’ એથી ધીરજ ધ્યાન'ના સાધનથી અપરોક્ષાનુભૂતિ માર્ગે એ સાધનાવિહાર કરે છે.
મીરાંનું આ ધીરજ ધ્યાન'નું સાધન કેવા પ્રકારનું છે? ધૈર્ય ધારણ કરીને ધ્યાનયોગના માર્ગે મીરાં વિહરે છે? મીરાં ધ્યાનયોગિની છે? ના. મીરાંનો અહીં વ્યક્ત થતો ધ્યાનયોગ યોગશાસ્ત્રપ્રણિત નથી જ. એનો ધ્યાનયોગ સંતસાધનાનો ધ્યાનયોગ છે. હૃદયમાં અભીપ્સા પ્રગટાવી સ્વેષ્ટ સાથેનું સતત અનુસંધાન ક૨વાનો એ ધ્યાનયોગ છે. એ માટે સંતસંગત અને હિરનામસંકીર્તનનો પુરુષાર્થ, નરસિંહની જેમ, મીરાંએ સ્વીકાર્યો છે અને પ્રબોધ્યો છેય ખરો.
સત્સંગનો મહિમા એને મન મોટો છે. હરિચરણમાં ચિત્ત રાખી સત્સંગનો રસ ચાખવા જેવો છે, એવું એનું ઉદ્બોધન છે. કદાચ સ્થૂલ પ્રકૃતિને સત્સંગ ન રુચે એવું બને. આરંભમાં એ કડવો કે તીખો' પણ લાગે! પરંતુ એકવાર સત્સંગ કે એનું પિરણામ આંબા કેરી સાખ' જેવું મિષ્ટ લાગવાનું. સત્સંગથી બે ઘડીમાં મુક્તિ થઈ શકે એવા વેદવચનમાં એ શ્રદ્ધા વ્યક્ત કરે છે. એ જ રીતે નીચ સંગ નહીં કરવા માટે પણ બોધ આપે છે. સંસાર ભયંકર કાળો છે. કુટુંબીઓ સ્વાર્થી અને પ્રપંચી હોય છે. એવું જ્ઞાન એને સંતસંગતથી જ થયું છે એમ એનું નિવેદન છે.૧૯