________________
અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા ૪૫૧
તેમજ ધર્મના ભેદભાવોને મિટાવી દઈ, એકેશ્વરવાદ અને વિરાટ મનુષ્યધર્મની સ્થાના કરવી એ જ એમનું ધ્યેય હતું અને તેથી જ એમને આપણે પ્રાંતવાદના કોચલામાં પૂરી નહીં શકીએ.
આ બધા સંતો બાહ્યાચારોના ખંડનમાં તથા શીલ, સંયમ અને સદાચાર જેવા ગુણોના સમર્થનમાં રાચતા જણાય છે, સમાજદૃષ્ટિએ જોઈએ તો એમને આપણે ઉચ્ચ કોટિના સુધારક ગણવા પડે એવી સ્થિતિ છે. સંસારની અને દેહની ક્ષણભંગુરતાનાં ગાણાં એમણે ભલે ગાયાં હોય પણ તે બધા પાછળનો તેમનો ઉદ્દેશ લોકોને ઈશ્વરાભિમુખ કરી સદાચારનો પાઠ શીખવવાનો છે અને તેથી જ ભાષાસાહિત્યની દૃષ્ટિએ નહીં પણ લોકકલ્યાણની દૃષ્ટિએ આ સૌ સંતોની વાણીનું ગૌરવ કરવા જેવું છે. ભારતીય સંસ્કૃતિના આ સૌ સાચા સંરક્ષકો છે એમ જે કહેવામાં આવ્યું છે એનો વિરોધ થઈ શકે તેવું નથી.
મકરંદ દવે કહે છે તેમ સંતકવિની અંતર્દષ્ટિ પહેલી ખૂલે છે અને એમની વાણી પછીથી પ્રગટે છે. એમની સૃષ્ટિમાં જેટલો આગ્રહ કોઈ પણ ભોગે મૌલાનેપરમાત્માને મળવાનો છે તેટલો આગ્રહ મૌલિકતાનો નથી. કળા અને કસબ તરીકે કાવ્યની તેમને કશી જ વિસાત નથી. અનુભવના ઊંડાણમાંથી આપમેળે એમની વાણી ફૂટે છે અને એ જ દૃષ્ટિએ એ વાણીને વધાવવી ઘટે છે.
* વસ્તા વિશ્વભર વિશેનું લખાણ રમણ સોનીનું છે. સં.
૦૦૦