________________
અખો ૪૧૭
સુસંગતિયુક્ત સાહિત્યોપવનનું નિર્માણ કર્યું છે. અખાને એની પાસેથી કેટલું બધું આયતું મળે છે, છતાં વિષયનિરૂપણની દૃષ્ટિએ એકસૂત્ર રચના આપવા ઉપર એની નજર જ નથી. માંડણને પડછે એનું રચનાશૈથિલ્ય તરત ઉઘાડું પડે છે. અંગોની લંબાઈ વિષય બલકે કવિના મિજાજ ઉપર અવલંબતી લાગે છે. બે કડીનું અંગ પણ છે અને ૯૧નું પણ છે. અંગોનાં નામ પણ અંદરના નિશ્ચિત વિષયને સૂચવે છે એવું હંમેશાં નથી. ઘણીવાર પહેલા શબ્દ ઉપરથી પણ નામ પડેલાં છે, અને પછી આગળ સંગતિ ન હોય એવું જોવા મળે છે. પ્રપંચ અંગમાં છે તેવી આખા અંગમાં સંગતિ હોય એવું હંમેશાં બનતું નથી. અંગોનો ક્રમ પણ કવચિત્ જ એક ડાળીમાંથી બીજી ફૂટતી હોય એ રીતનો જોવા મળશે. આમ, છપ્પા'નું છેલ્લું ફુટકળ અંગ’ જ નહીં, આખી કૃતિ ફુટકળ – પ્રકીર્ણ રચના છે.
અમદાવાદ જેનું જન્મસ્થાન મનાય છે તે દદુ દયાલ (૧૫૪૪–૧૬૦૩)ની સાખીઓને એમના શિષ્ય રજ્જબે અંગોમાં વિભાજિત કરી ત્યારથી સાખીઓને અંગોમાં ગોઠવવાની પ્રથા શરૂ થઈ લેખાય છે.૫ કબીરની સાખીઓ ગ્રંથસાહેબમાં સલોક અથવા શ્લોક તરીકે ઓળખાઈ છે, બીજકમાં કોઈ વિભાજન થયું નથી પણ પાછળથી ગુરુ કો અંગ', 'નિહકરમી પતિવ્રતા કો અંગ –એવાં અંગોમાં ભાગ પાડવામાં આવ્યા છે.
એ ઉપરથી કબીરની સાખીઓનું અંગવિભાજન પણ રજ્જબ પ્રથા શરૂ કર્યા પછી થયું હોવાની સંભાવના લેખાય છે. * અખો લખતો થયો ત્યાં સુધીમાં એ પ્રથા લોકપ્રિય થઈ ચૂકી હોવી જોઈએ. અખાએ પોતે “અંગો’ પાડ્યાં હશે કે પાછળથી કોઈએ, એ નક્કી કરવું મુશ્કેલ છે. ફાર્બસ ગુજરાતી સભાની બે હસ્તપ્રતો (ર૬૭ અને ૩૩૬) અંગોના વિભાગો અને નામો જુદી રીતનાં આપે છે. કુલ ૪૫ અંગોની કતિમાં બે “દોષ અંગ છે. કેટલીક છાપેલી પ્રતો પ્રમાણે બે ‘વિચાર અંગ' અને બે ‘સૂઝ અંગ’ મળે છે.
આ બધા ઉપરથી એટલું સ્પષ્ટ થશે કે છપ્પામાં એકસૂત્ર રચના આપવાનો અખાનો ઉપક્રમ નથી. સં.૧૭૮૧ના ચારચરણી પંચીકરણમાં નિઃશંક છપ્પા'ના પંચીકરણઅંગની ધાટીની અખાની નામમુદ્રાવાળી છચરણી કડીઓ મળે છે. ખાસ કરીને “ફુટકળ અંગના કટાક્ષના ઉદ્દગારો તો તેથી પણ પહેલાંના હોય, અને કેટલાક છપ્પા વળી પરિણતપ્રજ્ઞાના કાલના, કોઈક તો “અખેગીતા’–‘અનુભવ બિંદુ પછીના પણ, હોઈ શકે. આમ અખાને હાથે લાંબા સમયપટમાં ખેડાયેલું આ કાવ્યસ્વરૂપ સંચયરૂપે જ જોવાનું રહે છે. છપ્પા' એ પ્રકરણરચના બની શકી નથી, છતાં એમાં એકાઈ હોય તો તે છે કવિના વૈયક્તિક અવાજને કારણે.