________________
૪૨૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
આપણે માટે સવાલ એ છે કે સચરાચર જગતની વિવિધતામાં એક જ તત્ત્વ સભર ભરેલું છે અને એ તત્ત્વ શબ્દાતીત રહી જાય એવું છે એમ અનુભવતો અખો પોતાની અનુભૂતિ ગાઈ બેસે છે ત્યારે એ અભિવ્યક્તિ કવિતા બને છે કે કેમ? બીજી કોઈ અનુભૂતિની જેમ આ અનુભૂતિ પણ કાવ્યવિષય બનવાની અધિકારિણી છે. સુંદરની લીલાને શબ્દાકારો દ્વારા લીલાયિત કરનાર કવિની જેમ નિરંજનનો દૂત સાધનાની ભિન્નતાને કારણે કવિથી જુદો છે, પણ જે ક્ષણે એ શબ્દ દ્વારા નિરંજનનો અણસારો આપવા પ્રયત્ન કરે ત્યારે તેની શબ્દશક્તિ, એના શબ્દકારો, એને કવિ ઠેરવે એ કોટિનાં હોય પણ ખરાં.
ખરું જોતાં નિરંજનનું ક્રૂતત્વ કરવાનું પણ હોય કે કેમ એ પ્રશ્ન છે. ‘અખેગીતા'ના છેવટના કડવાની છેવટની કડીમાં અખો ખસી જાય છે, –‘કહે અખો' હવે રહેતું નથી, હવે છાતી ઠોકીને એ કહે છે કે કહે નિરંજન અખેગીતા,’માત્ર‘અખાને શિર નિમિત્ત દેવું ઇચ્છા હતી અનંતને.' આ જ્ઞાનીને પોતાને માટે સ્વભાવોક્તિ છે, આપણે માટે વક્રોક્તિ બને છે. પરમાત્મા તો ‘બાવન બાહેરો’, ‘ત્રેપનમો’ હોઈ અખો મૂંઝવણ અનુભવે છે: જે બોલું તે થાય સંસાર.’ ‘અખે ૨ામ એવો ઓળખ્યો, જે કાગળમશે ન જાયે લખ્યો,' અને તેમ છતાં કેટલાં બધાં કાગળશાહી એણે વાપર્યાં છે! કાૉઈલ વિષે કહે છે કે મૌનનો મહિમા દર્શાવવા એણે ચાળીસ જેટલા ગ્રંથો રચ્યા. ૫૨માત્મા એ વાણીનો વિષય નથી. એ વાત અખાએ પોતાના આઠેક જેટલા મુખ્ય ગ્રંથોમાં અને પદો–સાખીઓમાં શબ્દબદ્ધ કરી છે.
પરમાત્મા વાણીવિષય નથી એ અંગેનાં અખાનાં ઉદ્બોધનો, શબ્દ યોજવા જતાં મૂળ વસ્તુ ચૂકી ન જવાય એ અંગે એની મૂંઝવણ, એનાં અનેકવિધ નૈતિવચનો, બધી આળપંપાળ છોડી બ્રહ્મવસ્તુને જ પકડવા મથવા અંગેની એની જિકર, બાધારૂપ આળપંપાળોને ખુલ્લી પાડવામાં એની નિરલસ ઉત્કટતા અને ફાવટ અને અનુભવના આનંદનો સ્પંદ, આ બધું ઓજસ્વતી ઓઘવતી વાણી અને ઔચિત્યભરી લયસૂઝ રૂપે, અસંખ્ય ઉપમાઓ–રૂપકો, દૃષ્ટાંતો, રમણીય ચિત્રાંકનોકલ્પનો રૂપે, વેધક સ્વભાવોક્તિ-વક્રોકિત, નર્મમર્મોક્તિ, હાસ્યકટાક્ષરૂપે, બલવંતરાય જેને ન્યારા પેંડા’ કહે છે એ જાતના ઉપનિષદની યાદ આપે એવા પ્રગલ્ભપ્રાંજલ ઉદ્ગારો રૂપે, ટૂંકામાં શબ્દશક્તિ અને શબ્દાકારોના વૈભવરૂપે પ્રતીત થાય છે અને એને જ્ઞાનીકવિ, તત્ત્વજ્ઞકવિ તરીકે સ્થાપે છે.
૨. ઓજસ્વતી ઓઘવતી ભાષા, લયસૂઝ
લહિયાઓને હાથે અને પછી છાપનારાઓને હાથે થયેલા પાઠભેદો, પાછળથી ગમે