________________
અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા ૪૪૧
‘હસ્તામળ રવિ પ્રકટ્યો ઘટમાં, જળબિંબ જયોતિ પ્રકાશ; સેજ સમાધિ અનહદ ધૂન લાગી, અસિપદ આનંદઉજાસ અદ્વૈત મગ્ન ઊગ્યું રે, લલુતા પ્રેમપાંખડીએ.” જ્ઞાનઘૂઘરા ઘણણણ ઘમકે, રણણણ રોમ રણકાર; સણણણ સૂર ઝણઝણે, ભણણણ ભાન ભણકાર; ગડડ મૃદંગ ઝડ રે, લાગે ને લોટ ચોટાડો. ભાવભૂંગળો ભલી પેર બોલે, ડોલે શબ્દ સુણી દેશાંત; તનનન તાન તાલ તંબૂરા, સુરત સુરત થાય શાંત. નિજ નામ નરઘાં રે, માનમંજીરા વજાડો.”
બાપુસાહેબ ગાયકવાડ નિરાંત ભક્ત અને ધીરા ભક્ત બંનેને ગુરુપદે સ્થાપનાર મરાઠા રજપૂત બાપુસાહેબ ગાયકવાડ (ઈ.સ.૧૭૭૭-૧૮૪૩) નાનપણથી ધર્મસંબંધી પ્રશ્નોત્તરના શોખીન હોઈ સાધુસંતોમાં ફરતા હતા. ધીરા ભક્તના સમાગમમાં આવતાં ભજનકીર્તન એમને પ્રિય બન્યાં, અને પોતે પણ કીર્તનો જોડવા લાગ્યા. તે પછી નિરાંત ભક્તને જ્ઞાનનાં પદ ગાતા સાંભળતાં ને પોતાના પ્રશ્નોના યોગ્ય ખુલાસા તેમની પાસે સાંપડતાં એઓ તેમના પણ શિષ્ય થયા. પોતાના ગુરુઓને ચીલે ચાલી બાપુસાહેબે પણ જ્ઞાનપ્રદેશનાં પદ, ધર્મવેશ અંગેનાં પદ, બ્રહ્મજ્ઞાનના પરિપુના રાજીઆ, ગરબીઓ અને કાફીઓ જેવી રચનાઓ કરી છે.
કવિ, સંતસમાગમ અને સદગુરુની આવશ્યકતા તથા બ્રહ્મજ્ઞાનની મહત્તા દર્શાવતાં, મૂર્ખ અને ઢોંગી ગુરુઓને ખુલ્લા પાડી, કર્મકાંડનું મિથ્યાત્વ અને ધર્મને નામે પ્રવર્તતા દંભની વાતો કરી, બ્રાહ્મણોને પોતે શ્રેષ્ઠ છે એ જાતનું મિથ્યાભિમાન તજવાનો ઉપદેશ આપે છે. કામાદિ છ રિપુઓના એમણે રચેલા રાજીઆ, જીવનની ક્ષણભંગુરતા તથા જ્ઞાનભક્તિવૈરાગ્યની આવશ્યકતા દર્શાવે છે. આજે નષ્ટપ્રાય થઈ ગયેલો પણ મધ્યકાળમાં ઠેર ઠેર પ્રચલિત આ કાવ્યપ્રકાર એના મૂળ રૂપમાં પણ આગવી છટાથી ઉપદેશ માટે બાપુસાહેબે કામે લગાડ્યો છે. મન, સ્ત્રી, વિશ્વાસ, ધન, પુત્ર, ગુરુ, વૈરાગ્ય, દેહ, તૃષ્ણા, વચન જેવાં અંગો પાડી દરેક પર એમણે ચારચાર ગરબીઓ લખી છે. એમની જ્ઞાનોપદેશની કાફીઓ ગુરુઓની રચનાઓને ચીલે રચાઈ છે. યોગવિદ્યાના સાધકને જે અઢાર સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે તે બધી યોગી માટે બંધનનું કારણ થઈ પડે તેવી હોઈને હેય છે એમ એમનું કહેવું છે. જ્ઞાનીને, સાધુને, સાચા, સંતને ઓળખવા માટે તેનાં લક્ષણ એમણે બતાવ્યાં છે.