________________
૪૩૨
૧૨ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા
ભૂપેન્દ્ર ત્રિવેદી
પાંચ જ્ઞાનાશ્રયી કવિઓ
ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતાનાં ક્ષેત્રમાં અખા ભગતનું પ્રદાન સૌથી વધારે અને સૌથી વધુ મહત્ત્વનું છે એ સુવિદિત હકીકત છે. વેદાંતના ગહન તત્ત્વજ્ઞાનને વૈખરીમાં મૂકતાં એણે ઊંચા પ્રકારનું કવિત્વ, શબ્દસૂઝ અને ભાષાપ્રભુત્વ પ્રગટ કરેલ છે તે કારણે એને ગુજરાતના મધ્યકાલીન કવિઓમાં પ્રેમાનંદથીય વધુ શક્તિશાળી કવિ ગણવા એના અભ્યાસીઓ અને પ્રશંસકો પ્રેરાય તો નવાઈ નહિ. ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતાના પ્રવાહને એણે જે અદાથી અને સામર્થ્યથી સુપુષ્ટ કરી દીધો તે જોતાં એ પ્રવાહ એકધારો આગળ વધતો રહે અને નાનામોટા અન્ય પ્રવાહોથી એ વખતોવખત પોષાતો રહે એવી શકયતા તે જમાનાની તાસીર જોતાં જણાઈ આવે છે.
એ સમયે અવારનવાર થતી રાજકીય ઊથલપાથલોને કારણે રાજકીય ક્ષેત્રે અંધાધૂંધી મોટા પ્રમાણમાં રહેતી. જ્યારે જેહનું રાજ જ જાણ, ત્યારે તેહની માનવી આણ' જેવો વહેવારુ ઉપદેશ લોકમાનસને અનુકૂળ હતો. જીવનની સ્થિરતા જ જ્યાં ન હોય ત્યાં જીવનમાં સંગીનતા હોવાની શક્યતા પણ ન હોય. ચોરી, લૂંટ, ધાડના બનાવો સામાન્ય બનતાં જાનમાલની સલામતીને સતત જોખમ રહેતું. આજ કદાચ શાંતિમાં વીતી તો ય કાલ કેવી જશે તેનો વિચાર માણસને સતત ફફડતો રાખે. શાંતિ ને આશ્રય શોધવા એવે સમયે માણસ ધર્મનું શરણું શોધે. એ ધર્મને ક્ષેત્રે પણ પાછું ઢોંગીઓ, ધૂતારા અને પાખંડીઓનું પ્રાબલ્ય પ્રવર્તે. ભલીભોળી આમજનતાને ધર્મને નામે ભોળવી જનારા તકવાદીઓ એવે ટાણે આગળ આવવાના જ, એટલે ખોટા ડોળ દમામ અને ઝાઝો આડંબર દાખવી અજ્ઞાન અને ગરીબડી પ્રજા ઉપર પ્રભાવ પાડી ધર્મોપદેશને બહાને લોકોને આકર્ષી પોતાની કંચનકામિનીની લાલસા તૃપ્ત કરવા મથતા ધર્મગુરુઓ જ્યાં ત્યાં જડી આવતા. શાસ્ત્રજ્ઞાનનો દાવો કરતા બ્રાહ્મણો, ગોર, જોષીઓ, પુરાણીઓ, ટેલિયાભટ, પોતપોતાની રીતે લોકોને -