________________
અખો ૪૦૭
પર્વત દસવીસ કોસ દૂર હોય છતાં નિકટ લાગે છે અને એનો પ્રૌઢ મહોરો દેખાય છે, નાની નાની વીગતો (શિલાઓ, ઝાડી, વૃક્ષ-પાંદડાં, ઝરણાં, ખીણ વગેરે) આગળ તરી આવતી નથી, બલકે ભળીને એકાકાર થયેલી હોય છે, તેમ બ્રહ્મ જ એક બધે, સહજજ્ઞાન થતાં, ભાયમાન થશે. આવી બ્રહ્મબુદ્ધિ ઊપજે તે માટે સાધન વિચારવું જોઈએ. આરંભની કડીઓમાં સદ્ગુરુનો મહિમા કરનારો અને “સગરો જાણે સંચ’ એમ સગરા સાધકનું મહત્વ કરનારો અખો અહીં ગુરુ અંગે સ્પષ્ટ દોરવણી આપે છે : “ગુરુ થા તારો તું જ.'
ગૌડપાદના અજાતિવાદની સમજ અખો આ કૃતિમાં પણ પ્રસ્તુત કરે છે. નિરંતર બધે બ્રહ્મ જ બ્રહ્મ છે, કશું એમાંથી જતું નથી, નીપજતું નથી. જેમ છે તેમનું તેમ છે, અખા થયું ગયું કંઈએ નથી.” આનંદઘન આત્મા જ માત્ર છે, એ માનવીનું સ્વ-રૂપ છે. - બ્રહ્માનુભવની વાત પ્રાચીન કાળમાં અનેક બીજાઓને કહી છે. એ “મહાનુભવ મળે તો તેની આગળ બીજાં બધાં કૃત્ય કશા લેખામાં નથી તે રવિરથ ઉપર બેઠેલા બધું જ જોઈ શકે છે એ દૃષ્ટાંતથી અખો દર્શાવે છે.
છેલ્લી કડીઓમાં ૧૭ વાર “અનુભવ” શબ્દ આવે છે. (૧૫ પંક્તિઓ “એ અનુભવ' થી શરૂ થાય છે અને બે વાર “મહાઅનુભવ’ શબ્દ વપરાયો છે, એટલે આ લઘુકૃતિને ‘અનભવબિંદુ નામ મળ્યું લાગે છે. અખાએ પોતે એ નામ આપ્યું લાગતું નથી, હસ્તપ્રતોમાં એવું નામ મળતું નથી. “અથ અષાજીના ચાલીસ છપ્પા પ્રારંભ', ‘ઇતિશ્રી અષાજી કૃત છપા સંપૂર્ણ એમ સં. ૧૮૭રની પ્રત કહે છે. “ચાલીસ છપા” અથવા માત્ર “છપા' નામથી કૃતિ પ્રચલિત હોવા સંભવ છે. અત્યારે છપ્પા' નામથી જાણીતી અખાની લોકપ્રિય કૃતિ હસ્તપ્રતોમાં છપે' નામથી ઉલ્લેખાતી હોઈ એનાથી જુદી પાડવા આ રચનાને “અનુભવબિંદુ' નામ અપાયું હોય.
પણ “અનુભવ” શબ્દ ઉપર નજર રાખી કૃતિને જેણે પણ “અનુભવબિંદુ' નામ આપ્યું હોય તેણે ભારે ઔચિત્ય દાખવ્યું છે. “બિંદુ' નામ ધારણ કરનારી કૃતિઓ વિશે નર્મદાશંકર દે. મહેતા કહે છે : “અથર્વવેદનાં કેટલાંક ઉપનિષદોમાં અમુક વિષયનું એકી‘રણ કરી ગંભીર અર્થ ટૂંકામાં જણાવે છે તેવાં ઉપનિષદોને બિંદુ એટલે કેન્દ્રભાવને પામેલો વિચાર એવું નામ આપવામાં આવે છે, જેમ કે ધ્યાનબિંદુ, અમૃતબિંદુ, નાદબિંદુ. પાછળથી વેદના શાસ્ત્રનું તાત્પર્ય જેમાં એકત્ર થયું છે એવા પ્રકરણને બિંદુ નામ આપવામાં આવે છે, જેમ કે શંકરાચાર્યની “દશશ્લોકી' ઉપરની મધુસૂદન સરસ્વતીની ટીકાને સિદ્ધાંતબિંદુ' કહે છે... બિંદુ એટલે ટપકું નહીં, પરંતુ ગંભીર વિચારનું જ્યાં એકીકરણ છે એવા ગ્રંથ સમજવાનું છે.”૩૦