________________
૩૮૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
ખેંચે એવી છે. આ બે જણા, સદ્ગત મહાદેવભાઈ દેસાઈએ મારી જોડે એકવાર વાતચીતમાં અખા માટે વાપરેલા શબ્દોમાં કહીએતો, ‘સેમિનલ પોએટ’–વીર્યવંત કવિ છે. બંને કવનમાં જ્ઞાનને, નિર્ગુણ ભાવને. અધિકાંશે વધાવે છે. કબીરની જેમ અખો સમન્વયદર્શી છે. કબીરની પ્રતિભા કોઈ જ મુખ્ય સાધના તરફ પીઠ ફેરવતી નથી, અખાને દા.ત. યોગસાધનામાં રસ નથી. પણ કબીર જેટલી સર્વગ્રાહિતા અખાની સાધનામાંથી નથી તે છતાં કબીરની ને એની વચ્ચેના ગાળામાં દેશમાં વિશેષરૂપે ફાલેલી વલ્લભીય પ્રેમલક્ષણા ભક્તિ સાથે સમન્વય સાધવા અખાએ કરેલો પુરુષાર્થ એ હિંદની મધ્યકાલીન સંસ્કૃતિના ઇતિહાસનું એક ધ્યાનાર્હ પૃષ્ઠ છે.
અખાના સમય સુધીમાં ભક્તિના જુવાળનાં ઉત્તમ સાહિત્યિક પરિણામો દેશની ભાષાઓમાં ઘણું ઘણું આવી ચૂકયાં હતાં. (મરાઠીમાં તુકારામ-રામદાસ આવવા હજુ બાકી છે એટલું.) ચૈતન્ય મહાપ્રભુએ ગોપીભાવથી કૃષ્ણને ભજવાના ઉઘાડેલા માર્ગની અસરની અને માત્મા હૈં રાધિ પ્રોસ્તા' આત્મા એ જ પરમાત્મા (કૃષ્ણ)ની રાધા છે એમ બોધનાર શ્રીમદ્ વલ્લભાચાર્યના પ્રભાવની ઉત્તમ કવિતા-ફસલની લણણી થઈ ચૂકી હતી. હવે ભક્તિ જુવાળમાં ઓટ આવતાં વિલાસિતાના કીચડ જોવાના અખાના ભાગ્યમાં આવ્યા લાગે છે. ભક્તિ અને વેવલાઈ વચ્ચેનું અંતર લુપ્ત થયેલું એણે જોયું. કહેવાતા ભક્તો-વૈષ્ણવ નામધારીઓ “નાહી ધોઈને ફરે ફૂટડા, ખાઈપીને થયા ખૂંટડા' જોઈ એ તંગ આવી ગયો. પોતે પણ ગોકુલનાથને ગુરુ કરી આવ્યો અને એમ સમાજમાં સગુરો કહેવાયો એ ભલે, પણ ગુરુને વાંકે નહીં પણ પોતાના વાંકે મનનો વિચાર તો નગુરો જ રહ્યો. અંતે આત્માનુભૂતિએ એને નિર્ગુણ ઉપાસનામાં સ્થિર કર્યો.
* તેમ છતાં ધ્યાનમાં લેવા જેવું એ છે કે અખાની નિર્ગુણોપાસના તેના એક મુખ્ય પ્રવર્તક શંકરની કે મધ્યકાળના કબીરની નિર્ગુણોપાસના કરતાં કાંઈક જુદી છે. કબીરની નિર્ગુણોપાસના ઇસ્લામીઓને ગ્રાહ્ય થાય એવા સ્વરૂપની થવા જાય છે. બીજું. તેમાં કબીરપૂર્વેના નાથપંથીઓના ધ્યાનયોગની અસરને પરિણામે રહસ્યવાદની છાંટ છે. અખામાં એવું ઓછું છે. શંકરાચાર્યે, કહેવાય છે કે, અંતઘડીએ શિષ્યોને નિર્ગુણમાં ચિત્ત ન ઠરે તો સગુણને સેવવાની સલાહ આપી હતી અને અપૂર્વ સ્તોત્રો રચી આપ્યાં હતાં. કબીર પણ સગુણ ભક્તિનો સમાદર કરે છે ત્યારે એમની વાણી અપૂર્વ હૃદયવેધકતાવાળી હોય છે : “વે દિન કબ આવેંગે ભાઈ, જા કારણિ હમ દેહ ધરી હૈ મિલિબો અંગ લગાઈ?” અખાનું એમ કહેવું છે કે ચિત્ત સ્થિર કરવું તો નિર્ગુણમાં જ, પણ પછીથી સગુણને પણ સેવવો. દૂધમાં કુદરતી ખાંડ-મીઠાશ તો છે જ, પણ એમાં સાકર ઉમેરીએ તો વળી વધુ મીઠાશ આવે :