________________
૨૪૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
ગુજરાતી સાહિત્યક્ષેત્રે ‘વાત્સલ્ય' રસનો (કાવ્યશાસ્ત્રમાં ખૂબ મોડેથી સ્વીકારાયેલા અને સંસ્કૃત સાહિત્યમાં સામાન્ય રીતે પ્રયોજવામાં ન આવેલા રસનો) સુંદર પરિપાક રજૂ કરી આપે છે. એણે એવા જ અલ્પજ્ઞાત “ભક્તિરસની પણ કવિતા ગાઈ છે. નરસિંહ મહેતાની અને ભાલણની પદોમાં વ્યક્ત થતી કવિપ્રતિભાની તુલના કરીએ તો નરસિંહનાં પદોમાં શુદ્ધ શૃંગાર રસ–એના વિપ્રલંભ અને સંયોગ એ બેઉ પ્રકાર સાથે –મૂર્ત થતો અનુભવાય છે, જ્યારે ભાલણનાં પદોમાં શૃંગારનાં દર્શન જવલ્લેજ થાય છે, અને થાય છે ત્યાં કાંતો “વાત્સલ્યમાં અથવા તો “ભક્તિમાં અંતર્ગત થઈ સ્વતંત્રતા ધારણ કરી જ શકતો નથી. બંને ભક્તકવિઓ હોવા છતાં નરસિંહ મહેતો શૃંગારસનો કવિ છે, ભાલણ ભક્તિરસનો કવિ છે.
કથાત્મક કાવ્ય એક ચોક્કસ પ્રકારના માળખામાં રચવાનો નિરૂપકોનો પ્રયત્ન હોય છે અને પ્રસંગોને યથાસ્થાન દીપતા બનાવવા એને સાવધાની રાખવાની હોય છે; પદપ્રકારની કવિતામાં આ લેખકને એવા પ્રકારનું કોઈ બંધન ફરજિયાત નથી; બેશક, કેટલીક વાર કથાનો તાણો એમાં પ્રસંગવશાત્ સંધાતો પણ હોય. દા.ત. રામબાલચરિત'માં એ વત્સલ અને ભક્તિથી છલકાતા હૃદયે બાળલીલા તન્મય થઈને ગાતો હોય છે. એના અનુસંધાનમાં
પ્રભુ ગંગાથી ઊતર્યા પાર, મિથિલાનાં મંગળ જોવા; ગુરુસંગ બે રાજકુમાર, મિથિલાનાં મંગળ જોવા; એક ઇંદુ ને એક છે કામ, મિથિલાનાં મંગળ જોવા; એક ગૌર ને ઘનશ્યામ, મિથિલાનાં મંગળ જોવા. ૨ પ્રભુ હીંડે છે લટકતી ચાલ્ય, મિથિલાનાં મંગળ જોવા. ૩૮
કવિનો આશય પોતાના હૃદયમાં મૂર્ત થતી ઇષ્ટ છબીને શબ્દદેહ આપી કથાંશને સાંધવાનો માત્ર હોય છે, જ્યાં કથાભાગ હોય છે ત્યાં, બાકી એને એમાં આત્મલક્ષિતા જ મૂર્ત કરવાની હોય છે :
એવા દશરથના બાલ, લાલ પારણે ઝૂલે; શ્યામ સ્વરૂપ દેખીને મારું મન ભૂલે. એવા ૧ એવા હાલો હાલો' મુખે હાલરું કહે; વળી શ્રુતિ ને વેદ જેને કંઠે રહે. એવા ૨ મૈયા ઢળકતી ઢળકતી તાણે દોરી; શિવ સનકાદિક ને બ્રહ્માદિક રહ્યા હેરી. એવા ૩