________________
૩૫૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
મોકલી આપ્યું. આમ,અંતિમ જન્મદિને મીરાંનું આ જ પદ અને સુબ્ધલક્ષ્મીને જ કંઠે ગાંધીજીએ સાંભળ્યું ત્યારે એમને સંતોષ થયો હતો
મીરાંનાં પદમાં પ્રકૃતિનું દર્શન નહીં પણ વર્ણન માત્ર છે અને તે પણ કવચિત્ એમાંયે માત્ર ફાગણ અને શ્રાવણનું જ, વસંત અને વર્ષાનું જ. અને તે પણ પરમેશ્વર પ્રત્યેના પ્રેમમાં મિલન અને વિરહના અનુભવની, આનંદ અને વેદનાના ભાવની, સંભોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગાર રસની ભૂમિકારૂપે જ. આમ, મીરાંના પદમાં પ્રકૃતિ પ્રધાન નથી, પ્રકૃતિનો પ્રકૃતિરૂપે મહિમા નથી, પ્રકૃતિ ગૌણ છે. પ્રકૃતિ દ્વારા મહિમા તો પરમેશ્વરનો, પરમેશ્વરના પ્રેમનો જ છે.
મીરાંનાં પદમાં કોઈ પુરુષ, માનવી પુરુષ પ્રત્યેના પ્રેમનું, માનુષી પ્રેમનું દર્શન નથી, તો સમગ્ર મનુષ્યજાતિ પ્રત્યેના પ્રેમનું, વિશ્વપ્રેમનું પણ દર્શન નથી. મીરાંનાં પદમાં માત્ર પરમેશ્વરનું, પરમેશ્વરના પ્રેમનું દર્શન છે. એથી મીરાંનાં પદ પરમેશ્વર સાથેના પોતાના અંગત, આત્મીય સંબંધ વિશેની સ્વગતોક્તિરૂપ, પરમેશ્વર સાથેના પોતાના એકાન્ત સંવાદરૂપ છે. એથી એનાં પદનું લઘુકાય સ્વરૂપ છે. એથી એમાં અનુભવની તીવ્રતા તથા ભાવ અને રસની ઉગ્રતા છે. મીરાંએ દીર્ઘમધ્યમ કદની નાટ્યાત્મક, કથાત્મક કાવ્ય કૃતિઓનું, મધ્યયુગમાં પ્રચલિત કાવ્યપ્રકારો –પ્રકરણ, પ્રબંધ, આખ્યાન આદિમાં કાવ્યકૃતિઓનું સર્જન કર્યું નથી એનું આશ્વર્ય ન થવું જોઈએ. “નરસિંહરા માહ્યરા', “સતભામાનું રૂસણું–આદિ દીર્ઘમધ્યમ કદની નાટ્યાત્મક, કથાત્મક કાવ્યકૃતિઓનું મીરાંનું કર્તુત્વ નરસિંહ અને કૃષ્ણના જીવનની પ્રેરણાથી જેમ મીરાંએ દ્વારિકાવાસ કર્યો હતો એમ એ જ પ્રેરણાથી મીરાંએ આ કાવ્યકતિઓનું સર્જન કર્યું હોય એવા તર્કને આધારે, સિદ્ધ કરવાનો પ્રયત્ન થયો છે. પણ આ કાવ્યકૃતિઓની અલભ્ય કાવ્યસિદ્ધિના સંદર્ભમાં અને વિશેષ તો મીરાંના પદની અઢળક કાવ્યસિદ્ધિના સંદર્ભમાં આ કાવ્યકૃતિઓનું મીરાંનું કર્તત્વ છે એમ સિદ્ધિ કરવું શક્ય નથી.
અનેક સંતોએ અન્ય મનુષ્યો સાથેના એમના સંઘર્ષ અંગેનાં પદ રચ્યાં છે. વ્યવહાર જીવનની વિષમતા અને વિકટતા અંગેનાં પદ રચ્યાં છે. અંગત જીવનનાં પદ રચ્યાં છે. અલબત્ત, એમાં ક્યાંય આત્મસ્તુતિ કે આત્મશ્લાઘા નથી. અને આત્મદયા તો નથી જ નથી. એમાં માત્ર વિનય અને વિનમ્રતા જ છે. મીરાંના પદમાં પણ કેટલાંક આવાં પદ છે. પણ જેણે પોતાના નામનો પણ કદાચ ત્યાગ કર્યો હતો અને જે પછીથી પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસવાની હતી, પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લોપવાની હતી અને અંતે અજ્ઞાતવાસમાં વસવાની હતી એ સ્વમુખે પોતાની કથા, આત્મકથા ગાય? એ અંગત જીવનાં પદ રચે?
મીરાં' શબ્દ વિશે બે અનુમાનો છે. મીરાં' શબ્દ ફારસીમાંથી આવ્યો છે.