________________
૩૬ ૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧
પણ એ કૃતિઓ પ્રગટ કરી આપે છે.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સાધકે કેવીક સાધના કરવી જોઈએ એની વાત કરતાં આ કવિઓએ અભીપ્સા (aspiration), આત્મનિરીક્ષણ (self introspection), પરિત્યાગ (rejection of movements) અને સમર્પણ (surrender) ની પ્રક્રિયા સવિશેષ રજૂ કરી છે. આ પ્રક્રિયામાંથી પસાર થતો સાધક સાધનાના સાધ્યરૂપે અપરોક્ષાનુભૂતિને પામે છે, એની દઢ પ્રતીતિ પણ અપરોક્ષાનુભૂતિના કૃતકૃત્યતાના એમના આનંદોદ્ગાર આપણે પામી શકીએ છીએ. એ રીતે જોતાં સ્વરૂપજ્ઞાનની સાધનાના સંદેશરૂપ એમની રચનાઓ બની રહે છે. સાધનાની આ પ્રક્યિા જ એવા પ્રકારની છે કે એમાં આત્માનુભૂતિનો અવાજ અનાયાસ ઊઠવાનો. એથી જ આ પરંપરાની રચનાઓમાં સંવેદનની એક પ્રકારની સચ્ચાઈનો સૂર આપણને સંભળાવાનો. અને તેથી જ કદાચ, કૃષ્ણજી જેવા આ પરંપરાના કવિએ તો સાધનાપ્રણાલીના આવા સાધકો માટે “અનુભવિ' એવો શબ્દ પ્રયોજ્યો છે. ઉમાશંકરે અખાને અનુભવાર્થી કહ્યો છે, તે આ દૃષ્ટિએ યથાર્થ જ છે.
પુસ્તક નહીં પણ પંડનો અનુભવ, આ પરંપરાના કવિઓની મોટી મૂડી છે. એથી એમની સાધના શાસ્ત્રસંમત નહિ પણ અનુભવસંમત સાધના તરીકે ઓળખવી ઘટે, અનુભવસંમતસાધનાનું સ્વરૂપ વિશિષ્ટ છે. અપરોક્ષાનુભૂતિ માટેની અભીપ્સા આ સાધનાનો પાયો છે. અભીપ્સા એટલે સ્વ-રૂપ સાથે અનુસંધાન પામવાની ઇચ્છા. આ ઇચ્છામાં દુન્યવી સુખોની પ્રાપ્તિનો અર્થ ન હોવો જોઈએ. પ્રભુને પ્રાપ્ત કરવાની હૃદયમાં ઉત્કટ તૃષા સાધકની અભીપ્સાને પ્રગટ કરે છે. પોતાની સ્થૂલ પ્રકૃતિને ઈશ્વરાભિમુખ કરતી મનની સંકલ્પશક્તિની સક્રિયતા એમાં પામી શકાય છે.
સ્થૂળ પ્રકૃતિ ઈશ્વરાભિમુખ બને એ માટે કેવળ અભીપ્સા, કદાચ, વંધ્ય બની રહે. એથી અભીપ્સાનું ઈણિત પરિણામ લાવવા માટે આત્મનિરીક્ષણ અનિવાર્ય બની રહે છે. સાધકે ધૂળમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરવાની હોવાથી સ્થૂલ વ્યવહારને તટસ્થ મનથી અવલોકવાની જરૂર રહે છે. એમ થતાં વ્યવહારમાં પ્રગટતી પ્રકૃતિગત મર્યાદાઓને એ ઓળખતો થાય અને એનાં બંધનમાંથી છૂટવાનો સ્વયં પુરુષાર્થ રચાવા માંડે. સ્વરૂપના અનુસંધાન માટેની હૃદયમાં પ્રગટેલી અભિમુખતાને એનાથી નવી ધગશ મળે અને એ રીતે સહજ સૂક્ષ્મ રૂપાંતર થયા કરે. આમ સ્વભાવગત દોષોમાંથી ઊગરવા માટે આત્મનિરીક્ષણ અપૂર્વ સાધન મનાયું છે.
કુટુંબમાં અને સમાજની છાયામાં માનવીનો ઉછેર થાય છે. એથી એના ઘડતરમાં કુટુંબ અને સમાજ મહત્ત્વનાં પરિબળો છે. વળી આનુવંશિક સંસ્કારો અને પ્રકૃતિગત વૃત્તિઓ પણ એનામાં હોય છે. આ પરિબળોનો સંદર્ભ બહુધા પ્રેયાભિમુખ હોય