________________
૩૬૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
નરસિંહને મન ભક્તિનો મહિમા મોટો છે. બ્રહ્મલોકમાં ભક્તિ જેવો મોટો પદા૨થ નથી, એમ એણે ગાયું છે. નિત્ય સેવા અને નિત્ય કીર્તન-ઓચ્છવ એ એની પ્રિય પ્રવૃત્તિ છે. નંદકુમાર એનું દૈવત છે. એ દૈવતનું નામસંકીર્તન કરવામાં જીવનકૃતાર્થતાનો અનુભવ એણે ગણ્યો છે. એથી જીવનના પ્રત્યેક શ્વાસમાં દૈવતનો સંદર્ભ સ્મરણ–કીર્તન દ્વારા સાધવાની વાત એણે કરી છે. મેરુ થકી મોટું હોય પ્રાયશ્ચિત્ત' તોય ‘નારાયણના નામે તરે' એવી એની શ્રદ્ધા છે. જીભથી હરિનો જપ થવો જોઈએ, નહીં તો જીભ જીભ નથી, ‘ખાડિયાં’ છે, એવું પણ એ માને છે. આમ નરસિંહની સાધનામાં નામસ્મરણ એ મોટું સાધન છે. નિત્ય સેવાની વાત એણે કરી છે, પરંતુ એનો કોઈ વિશિષ્ટ પ્રઘાત એ ઉલ્લેખતો નથી. શ્રી રામનામ'નો જ એ વેવારિયો છે. એની ભક્તિ આચાર-જડ નથી. એને વર્ણભેદનું રૂઢિજડ જીવન ગમતું નથી. એથી જ તેણે ચોખ્ખું કહ્યું છે કે, પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર'. શાસ્ત્રજડ દૃષ્ટિનો જાણે એ ઉપહાસ કરતો હોય કે એ તરફ ઔદાસીન્યભરી દૃષ્ટિએ જોતો હોય એમ કહે છે કે, ‘કર્મધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે'.
નંદકુમા૨, કૃષ્ણ, હિર એવા દૈવતના સંદર્ભમાં એનાં પદોમાં મળતા ઉલ્લેખો પરથી એ સગુણ સાધક જ પ્રતીત થાય છે. પરંતુ, નરસિંહનો નંદકુમાર કોઈ વ્યક્તિવિશેષ માત્ર રહેતો નથી. એ કવિચત્ રામની સંજ્ઞા આપે છે તો અનેકવાર પરમતત્વની પર્યાયવાચી સંજ્ઞા પણ બની રહે છે. અને એ રીતે નરસિંહ સંપ્રદાય નિરપેક્ષ નિર્ગુણ પરંપરાના સાધક તરીકે આપણી સમક્ષ ઊપસી આવે છે.
નામસ્મરણની સાધના કરતાં નરસિંહે ઈશ્વરાભિમુખતા માટેની અદમ્ય ઉત્સુકતા સેવી છે : મોરના પિચ્છધરને' નમ્ર ઉત્સુક વાણીમાં પ્રેમરસ પીવડાવવા માટે એ વિનવે છે. નંદના કુંવરનું ધ્યાન ધરવાથી અખિલ આનંદ પમાય, એવી શ્રદ્ધા હોવાથી, પુષ્પ મુક્તા ફળ લઈને એ ધ્યેયમૂર્તિનું સ્વાગત કરવા માટે જાણે ઊભો છે. મન અને હૃદયમાં કુંજલિલતમાં ખેલાયેલી શ્રીકૃષ્ણની નિત્ય નૌતમ લીલાનું સ્મરણસંકલ્પથી દર્શન કરે છે :
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે, તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.
આ અભિમુખતાને ટકાવી રાખવી અઘરી છે. સાધકની સ્કૂલ પ્રકૃતિ અને સંસ્કારો એની ઈશ્વરાભિમુખતાને ઝંખવે છે, અવરોધે છે અને અનેકવાર લક્ષ્યચ્યુત બનાવવા સક્રિય રહે છે. એથી સાધકે પોતાના સ્વભાવને ઓળખવા પુરુષાર્થ કરવો પડે છે. સ્વભાવની ઓળખ માટે એને અંતર્મુખી બનવું પડે છે. એ રીતે એ