________________
૩૫૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
હાથે-બલકે કંઠે એમનું રૂપાંતર પણ થયું છે. એથી વિકૃત પણ થયાં છે અને મીરાંનાં પદમાં મીરાંના કર્તુત્વનો મહાપ્રશ્ન આજે પણ અણઉત્તર છે.
મીરાંનાં પદમાં જે લય છે તે અત્યંત ભાવવાહી અને પ્રવાહી છે. સંગીતમય અને સંગીતક્ષમ છે. ક્યારેક તૃત અને ક્યારેક વિલંબિત ગતિનો આ લય મિલન અને વિરહના અનુભવમાં આનંદ અને વેદનાના ભાવને અને શૃંગારરસને અને અંતે શાંતરસને અનુરૂપ અને અનુકૂળ છે. પૃથ્વીમાંથી જેમ ફુવારો ફૂટે તેમ હૃદયમાંથી જાણે આ લય ફૂટ્યો ન હોય! આ લય હૃદયનો લય છે, લોહીનો અને આત્માનો લય પણ છે. બોલ મા, બોલ મા, બોલ મા, પ્રેમની, પ્રેમની, પ્રેમની, બોલે ઝીણા મોર', ‘ઊપાડી ગાંસડી વેઠની’, ‘મુખડાની માયા લાગી રે –કોઈ પણ પાંચેક પદનો માત્ર સાદો પાઠ પણ આ લયની રિદ્ધિ સિદ્ધિ તરત પ્રગટ કરી આપશે, એની ભાવોચિતતાની, કાવ્યક્ષમતાની પ્રતીતિ કરાવી આપશે.
મીરાં મરભૂમિનું સંતાન હતી. એથી એણે જગત અને જીવનનો, સંસારનો તાપ રેત અને લૂના પ્રતીક દ્વારા પ્રગટ કર્યો છે. ઊની ઊની રેતમાં પગ બળે છે, લૂ વાય છે માસ જેઠની રે.... જગત અને જીવનનો, સંસારનો અગ્નિ અસહય છે છતાં પરમેશ્વર માટેની પોતાની લગની અશમ્ય છે – લગની લાગીછે મને ઠેઠની રે.' એણે પરમેશ્વર પ્રત્યેનો પોતાનો આ પ્રેમ જલના પ્રતીક દ્વારા પ્રગટ કર્યો છે. “સંસારીનું સુખ એવું; ઝાંઝવાના નીર જેવું, – જગત અને જીવનનું, સંસારનું સુખ ‘ઝાંઝવાના નીર જેવું છે, મરૂભૂમિના મૃગજલ જેવું છે આ જલ છે જ નહીં, આ તો છલ છે. જે જલ છે જ નહીં તે પી શકાય? એનાથી તૃષા છિપાવી શકાય? એક તો જલ છે જ નહીં અને હોય તો સમુદ્રના જલ જેવું છે, ખારું છે. માત્ર મેડતા અને મેવાડ જ ખારોપાટ નથી. સમગ્ર જગત અને જીવન, સારોયે સંસાર ખારોપાટ છે. ખારા સમુદ્રમાં અમૃત વહેળિયું રે એવી છે ભક્તિ અમારી.”, “ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે’, ‘મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું.”-જગત અને જીવનના, સંસારના સમુદ્રમાં જલ તો છે, અપાર જલ છે, પણ ખારું છે. તે પી શકાય? એનાથી તૃષા છિપાવી શકાય? જલ છે જ નહીં અને છે તો ખારું છે. એથી મીરાંને જલ, મીઠું જલ પીવું છે, અમૃત પીવું છે. તો જ એની તૃષા છીપે, તો જ એને તૃપ્તિ થાય. પરમેશ્વર પ્રત્યેનો પોતાનો પ્રેમ, પોતાની ભક્તિ તે જ આ જલ, આ અમૃત. તો પરમેશ્વરનો પોતાના પ્રત્યેનો પ્રેમ મીરાંએ બાણ, તીર, ભાલો અને કટારી –શસ્ત્રોનાં પ્રતીક દ્વારા પ્રગટ કર્યો છે. એમાં પ્રાચીન સાહિત્યમાં પ્રચલિત કામદેવના શસ્ત્રની પ્રેરણા હોય પણ મીરાં મેડતાની રાજકુંવરી હતી અને મેવાડની ભાવિ મહારાણી હતી એથી એ યુદ્ધકળાનું શિક્ષણ પામી હતી