________________
૩૫૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ- ૧
કારણે વિષ્ણુ, રામ અને કૃષ્ણ-ભક્તિની પરાકાષ્ઠા પ્રગટ થાય છે. એમાં જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ આદિ કવિઓનું પણ મહત્ત્વનું અર્પણ છે. મધ્યયુગના ભારતવર્ષમાં જ્ઞાનેશ્વર, નામદેવ, નરસિંહ, તુલસીદાસ, કબીર, નાનક આદિ ભક્તો અને સંતોની ભક્તપરંપરા અને સંતપરંપરાએ તથા અલ્પાતિઅલ્પ અંશે સૂફીવાદ અને ખ્રિસ્તી ધર્મની અસરે આ ભક્તિને ભારતવ્યાપી સ્વરૂપ આપ્યું, બ્રાહ્મણોને અતિપ્રિય એવા ઉચ્ચનીચના સામાજિક, આર્થિક, ધાર્મિક ભેદભાવથી મુક્ત અને બહુજનસમાજને અતિસુલભ એવું સ્વરૂપ આપ્યું. એમાં એમણે સંસ્કૃતને સ્થાને લોકવાણીમાં એમનું જે પદસર્જન કર્યું એનું મહાન અર્પણ છે. આ ભક્તપરંપરાએ, સંતપરંપરાએ મધ્યયુગના સમગ્ર ભારતવર્ષમાં ભક્તિનું અને એ દ્વારા ધર્મનું જે વાતાવરણ રચ્યું તે અભૂતપૂર્વ છે. જગતના ઈતિહાસમાં મધ્યયુગના ભારતવર્ષની આ ભક્તપરંપરા, સંતપરંપરા એ એક અપૂર્વ અને અદ્વિતીય ઘટના છે. ત્યારપછી ૧૫૦૦ થી ૧૬૭૫ લગી પોણાબસો વર્ષ લગી એક માત્ર સ્પેઈનમાં મહદ્અંશે આવી ભક્તપરંપરાનું, સંતપરંપરાનું આવી ઘટનાનું દર્શન થાય છે. આ ભક્તપરંપરાની, સંતપરંપરાની મીરાંને મહાન સહાય હતી. મીરાંએ એનાં પદનું સર્જન લોકવાણીમાં, અંબાલાલ સાકરલાલ જેને પ્રજા સમસ્તનીવાણી કહે છે એમાં કર્યું. મીરાંનાં પદ લિપિબદ્ધ ન હતાં. મીરાંએ સાધુસંતસમાગમ અને ભજનકીર્તનશ્રવણની એની દિનચર્યાના એક અંગરૂપે એનાં પદનું સર્જન કર્યું હતું. એથી મીરાંએ પોતે એને હસ્તપ્રતમાં લિપિબદ્ધ કર્યા નથી. વળી મીરાં કોઈ સંપ્રદાય આદિમાં ન હતી એથી કોઈ સંપ્રદાય આદિના પદસંચયમાં પણ એ લિપિબદ્ધ થયાં નથી. મીરાંનાં પદ સમકાલીન અને અનુકાલીન ભક્તજનોના, પ્રજાજનોના કંઠમાં બદ્ધ થયાં છે. મીરાં જન્મ અને લગ્ને રાજસ્થાની તથા ત્યાગે વ્રજવાસી અને દ્વારિકાવાસી હતી. મથુરાની પશ્ચિમ સીમા લગીના આ સમગ્ર પ્રદેશની ત્યારે જે ભાષા હતી તે જૂની પશ્ચિમી રાજસ્થાની અથવા મારુ-ગુર્જર. અને મથુરામાં તથા મથુરાની આસપાસના પ્રદેશમાં વ્રજ બોલી અસ્તિત્વમાં હતી. આ જૂની પશ્ચિમી રાજસ્થાની સંધિકાળની ભાષા હતી. સંભવ છે કે મીરાંએ એનાં સૌ પદ એક જ ભાષામાં, જૂની પશ્ચિમી રાજસ્થાનમાં રચ્યાં હોય અને એમાં પ્રાદેશિક પરિવર્તનનો આરંભ મીરાંના જીવનકાળ પછી થયો હોય તો તે પ્રદેશના અનુકાલીન ભક્તજનોએ, પ્રજાજનોએ તે તે પ્રદેશની ભાષામાં એટલે કે રાજસ્થાની અને ગુજરાતી તથા વ્રજ એમ ત્રણ ભાષાઓમાં મીરાંનાં સૌ પદનું રૂપાન્તર કર્યું હોય. જૂની પશ્ચિમી રાજસ્થાનના પ્રાદેશિક પરિવર્તનોનો આરંભ મીરાંના જીવનકાળમાં જ થયો હોય તો મીરાં રાજસ્થાન, વ્રજ અને ગુજરાત ત્રણે ત્રણે પ્રદેશોમાં વસી હતી એથી અને હજુ તો પરિવર્તનનો આરંભ જ હતો એથી રાજસ્થાન અને ગુજરાતના પ્રદેશોની ભાષાઓમાં આત્યંતિક