________________
૩૧૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
અને મીરાંના જીવનનો ઇતિહાસ કંઈક જુદો જ હોત!
૧૫૨૧માં ભોજરાજના અવસાન અને ૧૫૨૭માં સંગના અવસાન વચ્ચેનો સમય મીરાંના જીવનમાં સૌથી વધુ બાહ્ય શાંતિનો સમય હતો. લગ્ન પછી સાધુસંત અને અસંખ્ય સામાન્ય મનુષ્યો સાથેના એના સંપર્ક અને સમાગમનો આરંભ થયો હતો તેનો ઉત્તરોત્તર ક્રમે ક્રમે દિનપ્રતિદિન વધુને વધુ વિકાસ થયો. વૈધવ્ય પછી જે રાજ્યપ્રદેશ એને પ્રાપ્ત થયો હતો એના પ્રજાજનોનાં પ્રશ્નોમાં, સુખદુઃખમાં એનો અંગત અને આત્મીય એવો સક્રિય રસ હતો. એક જીર્ણ પ્રાસાદમાં, પ્રાસાદના ખંડમાં એનો સ્વતંત્ર નિવાસ હતો. એને સ્વતંત્ર દાસદાસીઓની સગવડ અને પોતાના પ્રદેશની સ્વતંત્ર આવક હતી. દાન, સેવા આદિ સામાજિક પ્રવૃત્તિઓ અને ભજનકીર્તનશ્રવણ આદિ આધ્યાત્મિક, ધાર્મિક પ્રવૃત્તિઓમાં એ રમમાણ હતી. આ જ સમયમાં, ૧૫૨૪૨૭ની વચમાં ઝાલીરાણી રતનકુંવરનું અવસાન થયું. એથી એના અવસાન પછી એની સૌ પ્રવૃત્તિઓ જીવંત રહે એ હેતુથી એનો કાર્યભાર પણ મીરાંએ એની પ્રત્યેના ઋણને કારણે હૃદયપૂર્વક સ્વીકાર્યો હતો. જે અણસમજ અથવા ગેરસમજને કારણે મિયાંનો મલ્હાર'ને નામે પ્રચલિત છે પણ મીરાંનો મલ્હાર’ને નામે પ્રચલિત હોવો જોઈએ તે મલ્હાર રાગનું મીરાંએ આ સમયમાં મૌલિક સર્જન કર્યું. સૌ પ્રથમ પદમીરાંએ રાજસ્થાની, વ્રજ અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં પદ રચ્યાં હોય તો રાજસ્થાની ભાષામાં કેટલાંક પદ-નું મીરાંએ આ સમયમાં સર્જન કર્યું.
ત્રાસ
૧૫૨૭માં બાબર સાથેના યુદ્ધમાં સંગનો પરાજય થયો, અને સંગના સહાયક મીરાંના પિતા રતનસિંહનું યુદ્ધમાં અવસાન થયું. સંગ બાબર પાસેથી ચંદેરી જીતવા જતો હતો ત્યારે રણથંભોરથી માંડલગઢના માર્ગ પર ઈરીચ પાસે જોધપુરપક્ષી કોઈ પ્રધાને અથવા કોઈ વ્યક્તિએ સંગને વિષ આપ્યું અને સંગનું અવસાન થયું. ૧૫૨૮માં ધનબાઈનો પુત્ર રતનસિંહ મેવાડના રાજ્યપદે આવ્યો. બુંદીનો સૂરજમલ, રણથંભોરની કરમેતનબાઈ અને એના બે પુત્રો વિક્રમાદિત્ય અને ઉદયસિંહ જોધપુરના રાઠોડકુટુંબ, ધનબાઈ અને રતનસિંહના પ્રતિસ્પર્ધીઓ હતાં. એથી રતનસિંહે એમને અને એમના સહાયકોને અને સાથે સાથે મીરાંને પણ ત્રાસ આપવાનો આરંભ કર્યો. મીરાં વિધવા હતી, નિઃસંતાન હતી. મેવાડના વારસ માટેના અને મેવાડ પરના વર્ચસ્ માટેના આંતરવિગ્રહ અને સંઘર્ષમાં સક્રિય નહતી. પણ મીરાં મેડતાની રાજકુંવરી હતી અને મેડતા જોધપુરની વિરુદ્ધ મેવાડને પક્ષે હતું. વળી મીરાં પરાજિત પક્ષની સભ્ય હતી. વળી જોધપુરના મેવાડ સામેના ષડયંત્રની અને મેડતા પરના આક્રમણની નિષ્ફળતાનું