________________
મીશું ૩૩૫
પ્રેમ કરે છે તે મનુષ્ય કદી આ પ્રેમમાંથી નાસી–ભાગી શકે નહીં, છૂટીછટકી શકે નહીં. એ મનુષ્ય એવો તો નિઃસહાય અને નિરાધાર હોય છે, પરાધીન અને પરતંત્ર હોય છે. એ મનુષ્ય આ પ્રેમનો સ્વીકાર–પુરસ્કાર કરવો જ રહ્યો. આ પ્રેમ એવો તો ક્રૂર અને નિષ્ઠુર હોય છે, કઠોર અને નઠોર હોય છે, અદય અને અસહ્ય હોય છે. એથી એ મનુષ્ય અવશવિવશ હોય છે, આકુલવ્યાકુલ હોય છે. એ મનુષ્ય ઘાયલ હોય છે. એની ઘાયલની ગત હોય છે. અને એ ઘાયલની ગત તો ઘાયલ જ જાણે. એનો ઘા સદાયનો દૂઝતો હોય છે, કદી રૂઝતો નથી. મીરાંને નાનપણથી આવા પ્રેમનો અનુભવ હતો અને આ પ્રેમનો એણે પ્રથમ ક્ષણથી જ દેહ-મન-આત્માથી સ્વીકાર–પુરસ્કાર કર્યો હતો, જીવનભરનો, જીવનની ક્ષણેક્ષણ, સ્વીકાર–પુરસ્કાર કર્યો હતો. આ પ્રેમ સમક્ષ એણે સંપૂર્ણ સમર્પણ, આત્મનિવેદન કર્યું હતું. મૈને ગોવિન્દ લિયો મોલ... લિન્યો બજાકે ઢોલ' એથી સ્તો એણે લગ્ન, પતિ, કુટુંબ, પદ, પ્રતિષ્ઠા, ધન, સત્તા, કીર્તિ આદિ સૌ પ્રેયો પ્રત્યે વૈરાગ્ય અનુભવ્યો હતો. તો સાથે સાથે ત્રાસ અને મૃત્યુ પ્રત્યે અભય અનુભવ્યું હતું. એમાં એનો પ્રેમ અને એનું શૌર્ય પ્રગટ થાય છે. આ રજપૂતાણીએ જીવનભરનું, ક્ષણેક્ષણનું જૌહર રચ્યું હતું. આ મેડતાણીએ જીવનભર, ક્ષણેક્ષણે બળીને એનુ સતીત્વ પ્રગટ કર્યું હતું. ૫૨મેશ્વર અને મીરાં વચ્ચેનો આ પ્રેમ એકપક્ષી પ્રેમ (Ex-Party Love) ન હતો, દ્વિપક્ષી પ્રેમ હતો. ‘પ્રતિયોગમ્ પરસ્પરમ્' હતો. એમાં દાન– પ્રતિદાનની પારસ્પરિકતા (Reciprocity) હતી, એમાં અન્યોન્યતા (Mutuality) હતી. પરમેશ્વર અને મીરાં વચ્ચેનો આ પ્રેમ મીરાંના એક સાદ્યંતસુંદર અને સર્વાંગસંપૂર્ણ પદ પ્રેમની, પ્રેમની, પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની’માં ‘પ્રેમની’ શબ્દનાં ત્રણ પુનરાવર્તનો, અતિવ્રુત લય અને ‘કટારી' નું ભાવોચિત પ્રતીક આદિને કારણે એની પૂર્ણ તીવ્રતા અને તીક્ષ્ણતા સાથે પ્રગટ થાય છે :
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે, મને વાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયાં' તાં, હતી ગાગર માથે હેમની રે.
કાચે તે તાંતણે હિરજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે.’
પરમેશ્વરના પ્રેમ સમક્ષ મીરાંના પ્રતિદાનનું, આત્મનિવેદનનું મીરાંના કોઈ કોઈ પદમાં સૂચન છે :