________________
મીગ ૩૨૩
માટે ચિતોડમાં હતું. આમ, વિરમદેવનું સૈન્ય વિભાજિત હતું એથી ૧૫૩૫માં જોધપુરના માલદેવે મેડતા પર આક્રમણ કર્યું અને વીરમદેવને દેશવટો આપ્યો હતો. એથી મીરાં વૃન્દાવનત્યાગ પછી મેડતામાં કે મેવાડમાં વસી ન હતી. પણ ૧૫૩૭માં મીરાં દ્વારિકા આવીને વસી હતી. દ્વારિકા એ મેડતા, મેવાડ, વૃન્દાવનથી દૂર હતું, ભારતવર્ષના એક ખૂણામાં હતું. એથી પોતે ત્યાં નિરુપદ્રવ, નિર્વિક્ષેપ, નિર્વિઘ્ન જીવન જીવી શકશે એવું મીરાંને લાગ્યું હોય. વળી મેવાડમાં હતી ત્યારે સૌરાષ્ટ્રના હાલવાડની રાજકુંવરી ઝાલીરાણી રતનકુંવર પાસેથી એણે દ્વારિકા વિશે અને સવિશેષ તો સૌરાષ્ટ્રના નરસિંહ મહેતા વિશે અનેક કથાઓ સાંભળી હશે. અને નરસિંહનું જીવન અને કાર્ય મીરાંને પોતાના આદર્શરૂપ લાગ્યું હશે. વળી જેમણે રુકિમણીહરણ કર્યું હતું તથા જેમને ભારતવર્ષની એકતાનું દર્શન હતું અને એ એકતા સિદ્ધ કરવા જીવનભર જેમણે કર્મ કર્યું હતું એવા મહાભારતના કર્મવીર યોગેશ્વર અને ગીતાકાર કૃષ્ણ મીરાંના જીવનના આ સ્તબક મીરાંના પરમ અને ચરમ આદર્શરૂપ હશે. અને કૃષ્ણ પણ અંતે દ્વારિકા આવીને વસ્યા હતા. આ અને આવાં કારણોથી મીરાં વૃન્દાવનત્યાગ પછી દ્વારિકા આવીને વસી હતી.
દ્વારિકાવાસ, દ્વારિકાત્યાગ ૧૫૩૬માં મીરાં દ્વારિકા આવીને વસી પછી મહમ્મદ બેગડાએ ૧૪૭૩ દ્વારિકાના રણછોડજીના મંદિરનું ખંડન કર્યું હતું તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સૌરાષ્ટ્ર પર કેટલોક સમય ગુજરાતના સુલતાનોનું વર્ચસ્ હતું. પછી ૧૫૩૫માં હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું અને ગુજરાતના સુલતાનો નિર્બળ થયા એથી ૧૫૩૭માં કચ્છ, ઓખા આદિ સૌરાષ્ટ્રનાં રાજ્યો ફરીથી સ્વતંત્ર થયાં હતાં. એથી પોતે સ્ત્રી હોવા છતાં દ્વારિકામાંથી સમગ્ર સમાજવ્યાપી મહાન આધ્યાત્મિક-ધાર્મિક સાહસ કરી શકશે એવું આરંભમાં મીરાંને લાગ્યું હશે. પણ સૌરાષ્ટ્રના રાજાઓ ક્રૂર અને કપટી હતા અને પ્રજા પછાત અને પ્રાકૃત હતી. એથી મીરાં આવું કોઈ સાહસ કરી શકી નહીં હોય. આ સમયમાં, મીરાંએ-રાજસ્થાની, વ્રજ, ગુજરાતી એમ ત્રણ ભાષામાં પદ રચ્યાં હોય તો ગુજરાતી ભાષામાં-કેટલાંક પદનું સર્જન કર્યું. આ સમયમાં મેવાડમાં ૧૫૩૬માં વનવીરે વિક્રમાદિત્યની હત્યા કરી એથી વિક્રમાદિત્યનો નાનો ભાઈ ઉદયસિંહ ચિતોડનો ત્યાગ કરી કુંભલગઢ આવીને વસ્યો. ૧૫૩૭માં એનો ચિતોડના વારસ તરીકે સ્વીકાર થયો. મેડતાના વીરમદેવે ૧૫૩૭ અને ૧૫૪રની વચ્ચે એને ચિતોડ પ્રાપ્ત કરવામાં સતત સહાય આપી હતી. એથી એણે ૧૫૪૦માં વનવીરને દૂર કર્યો અને ૧૫૪રમાં ઉદયસિંહ મેવાડના રાજ્યપદે આવ્યો. ૧૫૪૩માં શેરશાહે