________________
૩૨૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
ચિતોડ પર આક્રમણ કર્યું. ત્યારે વીરમદેવ શેરશાહને પક્ષે રહ્યો અને મેડતાના રાજ્યપદે પુનઃપ્રતિષ્ઠિત થયો. ૧૫૪૩ થી ૧૫૪૭ લગી ચિતોડ શેરશાહ અને અહ્વાનોના વર્ચસ્માં હતું. ૧૫૪૬ લગી ઉદયસિંહ માત્ર કુંભલગઢના રાજ્યપદે જ રહ્યો. ૧૫૪૬માં ઉદયસિંહે પ્રજાના સંપૂર્ણ સહકારથી ચિત્તોડ પર આક્રમણ કરીને અફઘાનો પાસેથી ચિત્તોડ પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો. પણ રતનસિંહ અને વિક્રમાદિત્યે મીરાંને ત્રાસ આપ્યો હતો. એ પાપના ફ્ળરૂપે રતનસિંહ અને વિક્રમાદિત્યનું હત્યાથી અવસાન થયું હતું અને મેવાડનું અધઃપતન અને ચિતોડનું પતન થયું હતું એમ એ પોતે અને મેવાડની સમગ્ર પ્રજા માનતી હોય. મેવાડની સમગ્ર પ્રજાને મીરાં પ્રત્યે અપાર પ્રેમ હતો. એના હૃદયમાં આરંભથી જ મીરાંનું પ્રેમભર્યું સ્થાન હતું. એથી મીરાંની મેવાડમાં પુનઃપ્રતિષ્ઠા થાય તો જ પાપનું પ્રાયશ્ચિત થાય એમ એ પોતે અને મેવાડની સમગ્ર પ્રજા માનતી હોય. અને તો જ પોતાને પ્રજાનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થાય. વળી મેવાડમાં મીરાંની પુનઃપ્રતિષ્ઠા થાય તો મીરાં સેન્ટ જોનની જેમ પ્રજાનું નેતૃત્વ કરે અને પ્રજાને પ્રેરણા આપે અને ચિતોડ પર આક્રમણ કરે તો અફઘાનો પાસેથી ચિતોડ પ્રાપ્ત થાય. આથી ૧૫૪૬માં ઉદયસિંહની આજ્ઞાથી એના પ્રતિનિધિરૂપ કેટલાક બ્રાહ્મણો મીરાંને મેવાડ પાછા પધારવાની પ્રાર્થના કરવા દ્વારિકા આવ્યા. મીરાંએ એમની પ્રાર્થનાનો સ્વીકાર ન કર્યો. મીરાંએ મેવાડનો હંમેશ માટે ત્યાગ કર્યો હતો. અને એ આ પ્રકારના સત્તા માટે સ્પર્ધા, સંઘર્ષ, આંતરવિગ્રહ આદિના રાજકારણમાં ભૂતકાળમાં કદી સક્રિય ન હતી અને આ ક્ષણે કે ભવિષ્યમાં કદી સક્રિય થવાની એને ઇચ્છા ન હતી. પણ મીરાંએ એમની પ્રાર્થનાનો અસ્વીકાર કર્યો એટલે એમણે મીરાંની સામે ઉપવાસનો આરંભ કર્યો. આ ધર્મસંકટમાં મીરાંએ કૃષ્ણ અનુમતિ આપે તો પોતે એમની પ્રાર્થનાનો સ્વીકાર કરે અને મેવાડ પાછી આવે એવા પ્રસ્તાવ સાથે પણ હૃદયમાં દ્વારિકાત્યાગના નિર્ણય સાથે મંદિરના ગર્ભદ્વારમાં એકાન્તમાં સંન્યાસિનીનાં વસ્ત્રો દ્વારિકામાં પોતાનું જીવનકાર્ય પૂર્ણ થયું છે એના પ્રતીકરૂપે કૃષ્ણની મૂર્તિની સમક્ષ અર્પણ કરીને અજ્ઞાતવાસનાં વસ્ત્રો ધારણ કરીને દ્વારિકાત્યાગ કર્યો. જનશ્રુતિમાં એમ છે કે ત્યારે મીરાં કૃષ્ણની મૂર્તિમાં ચમત્કારથી સાયુજ્ય મુક્તિ પામી હતી. પણ સંભવ છે કે જ્યારે બ્રાહ્મણોએ જાણ્યું કે મીરાંએ દ્વારિકાત્યાગ કર્યો છે ત્યારે ઉદયસિંહના રોષથી બચવા માટે મીરાં તો કૃષ્ણની મૂર્તિમાં સાયુજ્ય મુક્તિ પામી છે, ચમત્કાર થયો છે એવો એમણે પ્રચાર કર્યો હોય. ૧૫૪૬માં દ્વારિકાત્યાગ પછી ૧૫૬૩-૬૫માં અવસાન લગી મીરાં આપણા યુગમાં ગ્રેટા ગાર્બોની જેમ અજ્ઞાતવાસમાં અદૃશ્ય હતી, એણે પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસ્યો હતો, પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લોપ્યું હતું. આ જ સાચી સાયુજ્યમુક્તિ!