________________
૩૨૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ- ૧
છે કે તાનસેન, તુલસીદાસ, માનસિંહ, બીરબલ અને અકબર સાથે મીરાંનું મિલન થયું હતું. ૧૫૬૨માં અકબર રાજ્યપદે આવ્યો તે પૂર્વે અકબર અને મીરાંનું મિલન અશકય હતું. એટલે ૧૫૬૨ પછી તરત જ આ મિલન શક્ય થયું. તો મીરાં ૧૫૬૨ પછી બે-ત્રણ વર્ષ લગી વિદ્યમાન હતી. એટલે કે ૧૫૬૩-૬૫ માં મીરાંનું અવસાન થયું હોય. આગળ નોંધ્યું તેમ જનશ્રુતિમાં એમ પણ છે કે ઉદયસિંહની આજ્ઞાથી બ્રાહ્મણો મીરાંને મેવાડ પાછા પધારવાની વિનંતી કરવા આવ્યા ત્યારે દ્વારિકામાં મીરાં સાયુજ્ય મુક્તિ પામી હતી. એટલે કે ત્યારે ૧૫૪૬માં મીરાંનું અવસાન થયું હતું. જો ૧૫૪૬માં મીરાંનું અવસાન થયું હોય તો અન્ય જનશ્રુતિમાં એમ છે કે અકબર અને મીરાંનું મિલન થયું હતું તે મિલન શક્ય જ નથી. જો કે વળી અન્ય એક જનશ્રુતિમાં એમ પણ છે કે મીરાં દીર્ઘાયુષી હતી અને ૬૫-૬૭ વર્ષની વયે એનું અવસાન થયું હતું. એથી જ ૧૫૪૬માં નહીં પણ ૧૫૬૩-૬૫માં મીરાંનું અવસાન થયું હોય. ૧૫૬૩-૬૫ લગી મીરાં વિદ્યમાન હોય તો જ ૧૫૬૨ પછી તરત જ અકબર અને મીરાંનું મિલન શક્ય થાય. અને આ મિલન ઉત્તર ભારતમાં જ થયું હોય. એટલે કે મીરાં ૧૫૬૨ પછી ઉત્તર ભારતમાં હતી. ૧૫૪૬માં દ્વારિકામાં મીરાંનું અવસાન ન થયું હોય પણ મીરાંનો દ્વારિકાત્યાગ અને ત્યાર પછી ૧૫૬૩૬૫ લગી એનો અજ્ઞાતવાસ થયો હોય. આગળ નોંધ્યું તેમ ૧૫૪૬માં દ્વારિકાત્યાગ પછી અજ્ઞાતવાસનાં પ્રથમ દસેક વર્ષ એ દક્ષિણ ભારતની યાત્રાએ હોય (નહીં તો એ ક્યાં હોય?) અને અજ્ઞાતવાસનાં અંતિમ દસેક વર્ષ એ ઉત્તર ભારતમાં આવીને વસી હોય. જેમ મીરાંના જન્મની તિથિ ૧૪૯૮ ગણવામાં આવે તો જ મીરાંના જનશ્રુતિમાં છે તે અંગત જીવનના પૂર્વાર્ધના પ્રસંગો અને મેડતા-મેવાડના ઇતિહાસના પ્રસંગો વચ્ચે મેળ મળે છે તેમ મીરાંના અવસાનની તિથિ ૧૫૬૩-૬૫ ગણવામાં આવે તો જ મીરાંના જનશ્રુતિમાં છે તે અંગત જીવનના ઉત્તરાર્ધમાં અકબર અને મીરાંનું જે મિલન થયું એનો મેળ મળે છે. વળી જૂનું તો થયું રે દેવળ' પદનું મીરાંનું કર્તૃત્વ આજ લગી નિઃશંક છે. આ પદના સંદર્ભમાં ૧૫૪૬માં મીરાંનું અવસાન હોય જ નહીં અને ભાગ્યે જ કહેવાનું હોય કે મીરાં જેવી વ્યક્તિને અકાળે વૃદ્ધત્વ હોય જ નહીં. વળી પોતે વૃદ્ધ ન હોય છતાં વૃદ્ધત્વ વિશે પદ રચે એટલે કે લખવા ખાતર કશુંય લખે એ મીરાં નહીં. એથી આ પદના સંદર્ભમાં વૃદ્ધ થયા પછી એટલે કે ૧૫૬૩-૬૫માં પાંસઠ-સડસઠ વર્ષની વયે મીરાંનું અવસાન થયું હોય. ૧૫૪૬માં અડતાલીસ વર્ષની વયે મીરાંનું અવસાન અને આ પદનો મેળ મળતો નથી. જ્યારે ૧૫૬૩-૬૫માં પાંસઠ-સડસઠ વર્ષની વયે મીરાંનું અવસાન અને આ પદનો મેળ મળે છે.