________________
મીર્ચ ૩૨૫
આ જ ચમત્કાર ! એક પ્રસિદ્ધ અને અત્યંત લોકપ્રિય વ્યક્તિ જીવનનાં અંતિમ વીસેક જેટલાં વર્ષો લગી અજ્ઞાતવાસમાં અદૃશ્ય થાય, પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસે, પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લોપે એ મુક્તિની મુક્તિ છે. એ સાયુજમુક્તિ છે. એ ચમત્કારોનો ચમત્કા૨ છે.
અજ્ઞાતવાસ, દક્ષિણભારત યાત્રા
૧૫૪૬થી લગભગ ૧૫૫૬ લગી દસેક વર્ષ લગી, મીરાં ચૈતન્ય અને વલ્લભાચાર્યની જેમ, દક્ષિણ ભારતની, દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની, રામાનંદ, રામાનુજ, મધ્ય અને નિમ્બાર્ક તથા અનેક સંતોની જન્મભૂમિની યાત્રાએ હોય. મેવાડથી દ્વારિકા દૂર હતું છતાં ઉદયસિંહની આજ્ઞાથી બ્રાહ્મણો એની પૂંઠે પૂંઠે આવ્યા અને ઉપદ્રવ થયો. દ્વારિકાથી પણ દૂર, મેવાડથી, ઉત્તર ભારતથી અતિદૂર દક્ષિણ ભારતમાં જાય તો ત્યાં નિરુપદ્રવ, નિર્વિક્ષેપ, નિર્વિઘ્ન જીવન જીવી શકાય, અજ્ઞાતવાસ શક્ય થાય એવું મીરાંને લાગ્યું હોય.
અજ્ઞાતવાસ, ઉત્તરભારતયાત્રા
૧૫૫૬ની આસપાસ મીરાંએ પૂર્વ ભારતનાં તીર્થસ્થાનોની, જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ અને ચૈતન્યની જન્મભૂમિની યાત્રાનો આરંભ કર્યો હોય. પછી એણે પૂર્વ સીમાએથી ઉત્તર ભારતમાં પ્રવેશ કર્યો હોય, અને એ પ્રથમ બંધોગઢમાં આવીને વસી હોય. બંધોગઢનો રાજા રામચંદ્ર વાઘેલા કવિતા-કલા-રસિક હતો. એણે તાનસેનને રાજ્યગાયકનું પદ અર્પણ કર્યું હતું. અહીં તાનસેન અને મીરાંનું મિલન થયું હોય, વળી ચિત્રકૂટ બંધોગઢની નિકટ હતું. ચિત્રકૂટમાં તુલસીદાસની સાધનાનો આ સમય હતો. અહીં યુવાન તુલસીદાસ અને મધ્ય વયની મીરાંનું મિલન થયું હોય.
અંતે મીરાં અંબરમાં આવીને વસી હોય. અંબરનો રાજા ભગવાનદાસ એના પિતા બિહારીમલ અને પૂર્વજોની ધર્મ અને સમાજ અંગેની ઉત્તમ પરંપરા પ્રમાણેનો આદર્શ રાજા હતો. માનસિંહ ભગવાનદાસનો પાલકપુત્ર હતો. ૧૫૬૨ લગી બીરબલ ભગવાનદાસનો રાજકવિ હતો. અહીં માનસિંહ અને મીરાંનું તથા બીરબલ અને મીરાંનું મિલન થયું હોય. પછીથી માનસિંહ મીરાંના શિષ્ય જેવો થયો હતો. ૧૫૬૮માં અકબરે ચિતોડ પર આક્રમણ કર્યું અને વિજય પ્રાપ્ત કર્યો ત્યારે માનસિંહે ચિતોડમાં મીરાંની જે અંગત કૃષ્ણની મૂર્તિ હતી એનું રક્ષણ કર્યું હતું અને પછી અંબરમાં ભગવાનદાસ અને માનસિંહે જગતશિરોમણિજીનું મંદિર બંધાવીને એમાં એ મૂર્તિનું સ્થાપન કર્યું હતું. ૧૫૬૨માં અકબર મોગલ શહેનશાહ તરીકે દિલ્હીના રાજયપદે આવ્યો. પછી તરત જ અકબર અને મીરાંનું મિલન થયું હોય. જનશ્રુતિમાં એમ