________________
૨૯૬ - ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
એથી એમની કૃતિઓમાં મારવાડી ભાષાની પુષ્કળ અસર વરતાય છે. સ્થૂલિભદ્રફાગ' એક જ દેશીમાં સળંગ રચાયો છે, જે અન્ય ફાગુઓની દેશીઓ કરતાં વિલક્ષણ છે. એમાં સ્થૂલિભદ્રના પૂર્વજીવનની કથા કવિએ પ્રમાણમાં વિસ્તારથી આપી છે. જિનપદ્મસૂરિના જેવું કવિત્વ આ કૃતિમાં નજરે પડતું નથી.
નેમિનાથવિષયક ફાગુકાવ્યો
નેમિનાથવિષયક ફાગુકાવ્યો સંખ્યાબંધ છે. નેમિનાથના ચિરત્રે અનેક કવિઓને આકર્ષ્યા છે. શૃંગારનું શાન્તરસમાં પર્યવસાન કવિઓને કાવ્યરચના માટે આકર્ષક સામગ્રી પૂરી પાડે છે. નેમિનાથ ચોવીસ જૈન તીર્થંકરોમાંના બાવીસમા તીર્થંક૨ થઈ ગયા. જૈનપરંપરા અનુસાર એ કૃષ્ણના કાકાના દીકરા થાય. યાદવ રાજા સમુદ્રવિજય અને એમનાં પત્ની શિવાદેવીના એ પુત્ર થાય. એલગ્ન કરવાને ઇચ્છતા નહોતા, પણ શ્રીકૃષ્ણની પત્નીઓએ એમને વસંતક્રીડાને પ્રસંગે લગ્ન કરવાને મનાવ્યા હતા.યાદવ રાજા ઉગ્રસેનની દુહિતા રાજિમતી–રાજુલ સાથે એમનું સગપણ નક્કી કરવામાં આવ્યું. નેમિનાથની જાન ઉગ્રસેનને ત્યાં જતાં દ્વારકામાં થઈને પસાર થતી હતી ત્યારે જાનૈયાઓના સત્કારાર્થે ભોજન માટે વાડામાં પૂરી રાખેલાં વધ્ય પશુઓ એમણે જોયાં, અને એમનો આત્મા એમને નિમિત્તે થનાર આ હિંસા માટે કકળી ઊઠ્યો. પૂર્વસંસ્કારોને બળે એમના મનમાં અપાર વિરક્તિ જાગી ઊઠી અને લગ્ન કર્યા વિના એ ત્યાંથી જ પાછા વળી ગયા, અને લગ્નોત્સુકા રાજિમતી રાહ જોતી જ રહી. નેમિનાથે સાંવત્સરિક દાન દઈને ગિરનાર ઉપર જઈને દીક્ષા લીધી, જ્યાં એમને કેવળજ્ઞાન થયું. રાજિમતીએ પણ પોતાના મનના માનેલા પ્રિયતમને પગલે દીક્ષા ગ્રહણ કરી અને અંતે સિદ્ધિને પામ્યાં.
મલધારી રાજશેખરસૂરિષ્કૃત ‘નેમિનાથ ફાગુ’– નેમિનાથવિષયક ફાગુકાવ્યોમાંથી સૌથી પ્રાચીન ધ્યાનાર્હ રચના મલધારી રાજશેખરસૂરિષ્કૃત ‘નેમિનાથ ફાગુ' ઈ.૧૩૪૯ (વિ.સં.૧૪૦૫) આસપાસની છે. એમાં પણ જિનપદ્મસૂરિના ‘સ્થૂલિભદ્ર ફાગુ'ની માફક જ ૨૭ કડીઓ છે. પહેલાં એક દુહો અને પછી રોળાની બનેલી સાત ‘ભાસ'માં કૃતિ વહેંચાયેલી છે. એની ભાષાશૈલીની કોમલતા, લાલિત્ય, પ્રવાહિતા અને વેગ અનોખાં છે.
એનું રાજિમતીનું વર્ણન જુઓ :૨૦
અહ સામલ કોમલ કેશપાશ કિરિ મોકલાઉ,
અદ્ધચંદ સમુ ભાલુ મયણુ પોસઈ ભડવાઉ;