________________
૩૦૯
૯ મીરાં
નિરંજન ભગત
ભક્તિરસની કવિતાનો ફુવારો મીરાંના નામથી માંડીને તે કામ લગીની એકેએક વાત આજ લગી મુખ્યત્વે અનુમાનનો વિષય રહી છે. એમાંની એક વાત અંતિમતાપૂર્વક નિશ્ચિત કે નિર્ભીત નથી. “મીરાં' એનું ઉપનામ હતું? તો એનું અસલ નામ શું હતું? એનો જન્મ ક્યાં અને ક્યારે થયો? એનું જીવન ક્યાં, ક્યારે અને શી રીતે ગયું? એનું મૃત્યુ ક્યાં, ક્યારે અને શી રીતે થયું? એણે કયાં પદ રચ્યાં? ક્યાં, ક્યારે, કયા ક્રમમાં અને કઈ ભાષામાં રચ્યાં? –એકે વાત વિશે આધાર કે પ્રમાણ નથી. રાજકીય અને ઐતિહાસિક લખાણોમાં મીરાંના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ધાર્મિક અને સાંપ્રદાયિક લખાણોમાં મીરાં વિશે
ક્યાંક મૂર્ખતાને કારણે તો ક્યાંક દુષ્ટતાને કારણે અહેતુક સહેતુક વિકૃતિઓનો પાર નથી, તો સાહિત્યિક લખાણોમાં મીરાં વિશે, અલબત્ત, આનુષંગિક આધાર અને પ્રમાણના સંદર્ભમાં અનુમાનોની પરંપરા માત્ર છે. ધર્મ અને સમાજના એકે બંધનમાં બાંધી શકાય નહીં અને જાતે બંધાય નહીં એવા મુક્ત માનવહૃદયનું નામ છે મીરાં. સ્થળ અને કાળની સીમાઓમાં સમાવી શકાય નહીં અને જાતે સમાય નહીં એવા અનાદિઅનંત આત્માનું નામ છે મીરાં. ‘આ વિશ્વમાં એકમાત્ર પરમેશ્વર જ મારો છે, અન્ય કોઈ મારું નથી, અન્ય કંઈ મારું નથી,' એવું કહેવાની જેનામાં વિરક્તિ હોય અથવા તો “આ વિશ્વમાં હું એકમાત્ર પરમેશ્વરની જ છું અન્ય કોઈની નથી, એવું કહેવાની જેનામાં અનુરક્તિ હોય એને કઈ વ્યક્તિ કે કઈ વસ્તુ કહી શકે કે તું મારી છે? એને વાણી પણ શું વદી શકે? આવા માનવહૃદયનું, આવા આત્માનું ચરિત્ર સદાય અણલખ્યું હોય છે. જે મનુષ્ય અભય અને આત્મબળથી “મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ ગાઈને પછી ગાયું હોય એવું જ જીવે; જે મનુષ્ય અંતે અજ્ઞાતવાસમાં અદૃશ્ય થાય, પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસે અને પોતાનું સમગ્ર