________________
પ્રબન્ધ સાહિત્ય અને પદ્મનાભ ૨૭૧
જાલોરમાં ઉત્તમ વર્ણનો વાસ હતો. અઢારે વર્ણના લોકો ત્યાં રહેતા હતા. ત્યાં વેદ-પુરાણ-શાસ્ત્રનો અભ્યાસ કરનારા બ્રાહ્મણો વસતા હતા :
વેદ પુરાણશાસ્ત્ર અભ્યસઈ, ઈસ્યા વિપ્ર તિણિ નવરી વસઇ.” (૪૯)
ત્યાંના બત્રીસલક્ષણા રાજપૂતો સદાય ગોબ્રાહ્મણનું અને અબળાનું પ્રતિપાલન કરનારા હતા :
‘રાજવંશ વસઈ છત્રીસ, છિનૂ ગુણ લક્ષણ બત્રીસ, અબલા વિપ્ર માનીએ ગાઈ.” (૪:૧૦-૧૧)
વેપારી વાણિયાઓ ન્યાયપુર:સર વેપાર કરતા હતા. એમનો દેશાવરમાં પણ વેપાર ચાલતો હતો :
‘વિવહારીયા વસઈ વાણીયા, વહરઈ વીકઈ ચાલઈ જાય, દેસાઉરિ કરઈ વિવસાય.” ( ૪:૧૨)
વાણિયાઓમાં કેટલાક દસા કે વીસા હતા તો કેટલાક શ્રાવક અને માહેશ્વરી હતા. એમાંના કેટલાક વ્યવસાયે કરીને દોશી, ફડિયા, ઝવેરી કે નેસ્તી હતા.
નગરમાં નાણાવટી, કંસારા, કાગળ ને કાપડના વેપારી, કંદોઈ વગેરે વસતા હતા. જેને જે જોઈએ તે ચીજવસ્તુ નગરના બજારમાંથી મળી રહેતી. નગરમાં ઘાંચી, મોચી, દરજી, ગાંછા, છીપા વગેરે વ્યવસાયી વર્ગ પણ હતો. આ સર્વનું કવિએ વર્ણન કર્યું છે.
વીસા દસા વિગતિ વિસ્તરી, એક શ્રાવક એક માહેસરી, ફડીયા દોસી નઈ જવહરી, નામિ નેસ્તી કામઈ કરી. વિવિધ વસ્તુ હાટે પામીઇ, છત્રીસઈ કિરીયાણાં લીઈ, કંસારા નટ નાણુટીઆ, ઘડિયા ઘાટ વેચઈ લોહટીઆ. કાગલ કાપડ નઈ હથીયાર, સાથિ સુદાગર તેજી સાર.' (૪ ૧૩-૧૬)
એ કાળે ભિન્નમાળ જેવાં કેટલાંક નગરોમાં બ્રાહ્મણોનું પ્રાધાન્ય હતું. એવી નગરીઓને બ્રહ્મપુરી કહેતા. બ્રાહ્મણો અતિ પવિત્ર અને સારસ્વત જીવન ગાળતા. અંગ સહિત ચારે વેદ એમને કંઠસ્થ હતા. ચૌદ વિદ્યા, અઢાર પુરાણ અને શાસ્ત્રો એમને અવગત હતાં. પૃથ્વી ઉપરના દેવ જેવા એ બ્રાહ્મણોનાં દર્શન પાવનકારી ગણાતાં. પદ્મનાભે ‘કાન્હડદે પ્રબન્ધમાં મધ્યકાલીન સાહિત્યમાં વિરલ એવું બ્રાહ્મણોના સારસ્વત જીવનનું અસાધારણ સુરેખ, સુંદર ચિત્ર આપ્યું છે :