________________
૧૦૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક-આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઈસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઈસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઈતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બહુ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસર્વેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે, દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હ્રદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે –એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી