________________
નરસિંહ મહેતા ૧૫૯
ભાંગો ભોગળા ખોલો બારીબારણાં સ્પષ્ટ નરસિંહના “ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ “રાસસહસ્ત્ર પદી' નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે ચાલતી “પુરિયાં ઠમકાવતી ગોપીનું વર્ણન છે. નેપુરકિંકિણી' થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર શૃંગારમાળા' (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. અત્યારે શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડા નગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરનો ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી
દે છે:
સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત; નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.
રાસસહસ્ત્રપદી'માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. ‘વસંતનાં પદમાં અને શૃંગારમાળામાં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહી વલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો કે ‘વસંત આવ્યો વનવેલ ફૂલી’ એ વર્ણનમાં કે “નવલ નાર્યની છબીમાં કે “જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર' એ ચમત્કૃતિનર્દેશમાં