________________
૧૬૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો અગણિત બ્રહ્મનું ગણિત લેખું' કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.
સાચા વૈષ્ણવનું, હંસની ક૨ણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પોઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...' એ પદમાં તમે બધા વૈષ્ણવજન' હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે–
વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે. વૈષ્ણવ
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે" કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના –કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા– આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ઈલિયડ'માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના નળાખ્યાન'માં આરંભમાં આવતી. વૃક્ષનામગણના, મુનશી જેને જંગલખાતાની ટીપ' કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈવાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વા વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે પીડ પરાઈને’