________________
નરસિંહ મહેતા ૧૮૭
ગોપીની મનાઈ હોય, મેહુલો ગાજે ને માધવ નાચે’–ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો' –એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે' ની ઘરાળુ વાતચીતથી માંડી મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી'ની માદક ચિત્રાત્મકતા અને પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર'નો વિરાટ તલસાટ બધા માટે નરસિંહના હાથમાં ઝુલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ નેત્રમાં નાથ છે' એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો કયુલાપિયુલા' (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે' (શું. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા-લયલીલા વગર નરસિંહ રહી શકતો