________________
૧૯૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ- ૧
ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. “હારસમેનાં પદમાં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાનક તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણ હાર પહેરાવ્યાના ચમત્કારપ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્દગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ “ચાતુરીઓ અને “દાણલીલા' માંથી પ્રથમમાં રાધા રાધા કરે માધવ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. “દાણલીલા' સ્વભાવોક્તિઓથી અને રમતમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે સુદામાચરિત્ર', ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે “મિત્ર' શબ્દના માર્મિક ઉપયોગને કારણે. “સુદામા ચરિત્ર', વિવાહ” અને “દાણલીલા' નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગાપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગાપ્રીતિનાં ઊર્મિગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્વેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. કેસરભીના કાનજી(૨૪૦), “ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી' (૧૯૮), “ચાલ રમીએ. સહી' (૭૭), પાછલી રાતના નાથ' (૧૧૪), પાનડી પટોલિયે આ કોણ' (૧૭૫), મેહુલો ગાજે ને માધવ નાચે' (હીં.૩), “સખી તારાં નેપુર રેડ (શું. ૨૯), “અરુણ