________________
૧૭૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
લીલા૨સ-પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે. આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. નેત્રમાં નાથ છે' અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.
[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,જૂજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દેઃ કનક-કુંડળ વિશે ભેદ નોહોયે; ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે; મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું,- પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)
સારાયે બ્રહ્માંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પણ એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?” એ પ્રશ્ન કદી વિચાર્યો? –
[૨] ‘એક તું,’“એક તું’–એમ સહુ કો સ્તરે,‘કોણ હું?”—એ નહીં કો વિચારે; ‘કોણ છું?” ‘કચાં થકી આવિયો જગ વિશે?” જૈશ ચાં, છૂટશે દેહ ત્યારે? (૪૬) પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ પ્રતિદિને જડ કને જૈ કરી માગતોઃ