________________
૧૨૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ-૧
ઈ.૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એકબે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં પ્રભાતિયાં' રચાયાં હોય. બહારસમેનાં પદના ઝૂલણાનાં લય અને કવિત્વ અને પ્રભાતિયાં'નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં.૧૪૬૯-૭૧ (ઈ.૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે. અને મૃત્યુ ૬૬ વર્ષની વયે (ઈ. ૧૪૮૦૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.૨૪
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ.૧૪૫૫ના હાપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હાપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ.૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ.૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ.૧૪૮૦) આસપાસ મૃત્યુ વર્ષ એ રીતે માનવાનો રહે.
જન્મવર્ષ ઈ.૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના છે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુકત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ