________________
નરસિંહ મહેતા ૧૧૧
આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી” (“આત્મચરિતનાં કાવ્યો', પૃ ૮૯).
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહિ, “ગીતગોવિંદથી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં “ગીતગોવિંદ'નો વેવીનુદ્ધરતે એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : –મતિ પૃII મમ, હાર ઉર ભૂષણ, ત્વમસિ મમ મગ્ન ચિત સંગ ડોલે' (૧૫) માં ગીતગોવિંદ'(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. “ચાતુરીઓમાં ગીતગોવિંદનું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને “સારમાં સાર' લેખે છે અને એ રસ જયદેવે ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર. એમનાં ઊર્મિગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને,અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઈન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભકિત કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ