________________
૧૧૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.' મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય હું દ્વ-હ નામ દોયે'. જીવશિવનું દ્વંદ્ધ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : “તાહરા માહરા નામનો નાશ છે, લૂણને ની૨ દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.'
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ અખંડ સદોદિત પ્રેમ'ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ ૨ડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘે૨ લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ખેડાવ્યા હરી આણીત જાઈ’-હિરને રમાડવા લાવતી રહેજે (૮૬),– વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્દ્રતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે, – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્ડાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી' (૧૫૭)– કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :
ધન્ય ત્યા ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નન્હે વીર્યચ્યુતી ગોવિંદાચી. (૧૭૧)
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર
પડી નથી.