________________
૧૧૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.
પ્રેમભક્તિ ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદમાં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર “ગીતગોવિંદ' કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ.૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ.૧૫મી સદી) અને મૈથિલીમાં અભિનવ જયદેવ'નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ.૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ.૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ.૧૨૭૫૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ.૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : “એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે, “સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો' (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. “નામાચે હાથ તેં દૂધ પિઉલા; મલેચ્છ જન માટે તેં કબીરને ઊધર્યો, નામાચાં છાપરાં