________________
નરસિંહ મહેતા ૧૦૭
અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર-ખાસ કરીને કૃષ્ણ કે રામ-નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ.૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જ્યદેવ (ઈ.૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ.૧૩OO) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના-દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે ઈ. ૧૪૭૮૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી તુમાં અનેક કવિકંઠ ઊઘડયા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમ જ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.
જોઈ શકાશે કે આ બધું અકસ્માત્ બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્ધો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે' (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યા દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઈસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મો વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં