________________
જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦ -૧૬૦૦) ૭૫
રચનાઓ કરી છે. એટલે, આ વિષયની કૃતિઓની તેરમી સદીથી ઓગણીસમી સદી સુધીની સુદીર્ઘ અને સમૃદ્ધ પરંપરા જોવા મળે છે. પ્રસ્તુત કૃતિ એ પરંપરામાં ઘણી વિશિષ્ટ કહી શકાય તેવી અને તત્કાલીન ભાષાસ્વરૂપ તેમજ સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસ માટે ઘણી મહત્ત્વની કૃતિ છે. આ જ કવિએ નેમિનાથ હમચડી નામે અન્ય એક રચના પણ કરી છે. તેથી આ કૃતિ, વિષયનું પ્રકારાન્તરે પુનરાવર્તન ન બની ૨હે તેની કાળજી કવિએ લીધી છે.
અધિકાર: ૧ (૯૦ કડી) અને અધિકા૨:૨ (૧૬૨ કડી) એવા બે ખંડોમાં અહીં નેમિનાથના જન્મથી માંડીને તેમના કિશોરવયના પરાક્રમ, લગ્ન કરવાનો તેમનો અસ્વીકાર, યાદવ રાજા ઉગ્રસેન અને રાણી શિલાદેવીની પુત્રી રાજિમતી સાથે નેમિનાથના લગ્ન કરાવવાનો કૃષ્ણનો પ્રયત્ન, વસંતખેલ દ્વારા કૃષ્ણપત્નીઓ અને ગોપીઓનો નેમિનાથને સંસાર માટે ઉદ્યુકત કરવાનો પ્રયત્ન, એમના આગ્રહને વશ લગ્ન માટે નેમિનાથની સંમતિ, લગ્નપ્રસંગે ભોજનાદિ માટે થનારી જીવહિંસાથી નેમિનાથને જાગેલી વિરક્તિ, એમનો સંસારત્યાગ, આશાભંગ રાજિમતીની વિરહવ્યથા, ગિરનાર પર્વત ૫૨ નેમિનાથની તપસ્યા, દીક્ષા અને કેવલજ્ઞાન પ્રાપ્તિ, રાજિમતી અને સંસારીઓને નેમિનાથની દેશના એવા પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે.
રાજિમતીની વિરહવેદનાનું વર્ણન કરતો ખંડ (૨.૮૧ થી ૧૧૧) આ કૃતિનો સૌથી વધુ આસ્વાદ્ય અંશ છે. કવિ જેટલા કથાકથનમાં નહીં તેટલા ભાવનિરૂપણમાં પોતાની પ્રતિભાનો પરિચય આપે છે તેના ઉદાહરણ તરીકે એ નોંધપાત્ર છે. આ કાવ્યાત્મક ખંડ દ્વા૨ કવિની પ્રતિભાનો પરિચય પણ મળી રહે છે. આ કથાખંડ સાથે નેમિનાથ - રાજિમતીના બારમાસા / બારમાસીની પરંપરાની તુલના કરી શકાય. વિરહિણી નાયિકાના મનોભાવને પ્રગટ કરતાં કેટલાંક સર્વ સાધરણ ઉપાદાનો એમાં કુશળતાથી પ્રયોજાયાં છે. રાજિમતી અથવા કોઈપણ વિરહિણીના સંદર્ભે પ્રયોજવાની એની સમૃદ્ધ પરંપરા હતી. આ પરંપરાગત ઉપાદાનો ઉપરાંત બારમાસી જેવાં વિરહકાવ્યોની પરંપરા કવિએ પૂરેપૂરી આત્મસાત કરી છે ને આ રાજિમતીના વિરહભાવ નિરૂપણમાં સફ્ળતાથી પ્રયોજી છે :
ખિણિ ખાટર્ટી ખિણિ વાટઈ લોટઈ, ખિણિ ઉંબર ખિણિ ઊભી ઓટઇં, ખિણિ ભીતરિ ખિણિ વલી આંગણઈએ, પ્રીય વિણ સૂની વલીઆ ગણઈએ.(૨.૮૫)
સુણિ સુણિ સહિયર આજ રાજ મુજ ન ગમઈ દીઠઉં
ભોજન કૂર કપૂર પૂર નિત લાગઈ મીઠઉં
કોમલ કમલ મૃણાલ વિરહદવ-ઝાલ ન ઝલ્લઈ,
પ્રિય દીઠઉ પરખિ સોઈ મન માંહઈ સલ્લઈ (૨.૧૦૦-૧૦૧)