________________
૧૦૪
(
૪ નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી
૧. ભક્તિ આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા
આદિજલિ ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ'નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ “આદિ કરતાં વધુ તો કવિ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાનભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો નહતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારે બોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ ગવાતી સાંભળવા મળે છે :
જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત; તમારે જાગે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ. લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય, બોલાવી ટહુકો કર્યો..